ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાવનગરમાં છેલ્લી ઘડીનો પ્રચાર કર્યો હતો. રોડ શો દરમિયાન જેપી નડ્ડાએ ગુજરાતમાં ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રોડશો દરમિયાન જેપી નડ્ડાએ કહ્યુ હું જ્યાં જ્યાં પણ ગયો છુ. ત્યાં મને એકતરફી માહોલ જોવા મળ્યો છે. ભાજપ ગુજરાતમાં તેના તમામ રેકોર્ડ તોડશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં એકતરફી પરિણામ આવશે. વધુમાં જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપની સામે કોઈ પડકાર આપવા લાયક તો નહીં, પરંતુ ચૂંટણી લડવાની સ્થિતિમાં હોય તેવુ દેખાઈ નથી રહ્યો.
નડ્ડાએ કહ્યું ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીના પક્ષમાં અકતરફી નિર્ણય કરી લીધો છે. જેપી નડ્ડાએ કેજરીવાલ પર પ્રહાર કર્યા કે અરવિંદ કેજરીવાલને ગંભીરતાથી લેવાની જરૂર નથી. દરેક રાજ્યમાં ડિપોઝીટ જપ્ત કરવાનો આપનો રેકોર્ડ છે. કેજરીવાલ લોકોને ભ્રમિત કરીને ગેરમાર્ગે દોરે છે. લોકોને વિશ્વાસ છે કે ભાજપ જ વિકાસ કરી શકે. કોંગ્રેસ મુદ્દે જેપી નડ્ડાએ કહ્યું કે એ શું કરી રહ્યા છે એ સમજની બહાર છે. પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ગુજરાતની જનતાએ તેમને નકારી દીધા છે.
છેલ્લી ઘડીના પ્રચારમાં જેપી નડ્ડાએ એમ પણ ઉલ્લેખ કર્યો કે ગુજરાતમાં આવશે તો ભાજપ જ અને અન્ય પક્ષ જોતા રહી જશે. પ્રજાને નરેન્દ્ર મોદી પર ભરોસો છે અને એ ભરોસો જ જીત અપાવશે.
નોંધનીય છે કે પ્રથમ તબ્બકાનો પ્રચાર આજે પુર્ણ થયો છે, ત્યારે છેલ્લે છેલ્લે ભાજપના નેતાઓએ અન્ય પક્ષ પર પ્રહાર કરવામાં કશુ જ બાકી રાખ્યું નથી ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપનો પ્રજા પર ભરોસો કેટલો જીતે છે.
