મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે દિલ્હીમં હોમ સેક્રેટરી અજય ભલ્લાની મુલાકાત કરી. તેમણે મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ તરફથી લગાવવમાં આવેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવેલા વસૂલી રેકેટના આરોપોની સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી. ફડણવીસની મુલાકાત બાદ શિવસેના સાંસદ સંજય રાઉતનું પણ નિવેદન આપ્યું છે. રાઉતે આ મુલાકાત પર કહ્યું કે તમે કાગળ લઇને ફરતા રહો પરંતુ જ્યાં સુધી અમારી સાથે બહુમતી છે તમે અમારો વાળ પણ વાંકો નહીં કરી શકો.
ભલેને આનંદ લેવા દો
વધુમાં ભાજપ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે તેમને ત્યાં જઈને આનંદ મળતો હોય તો ભલેને આનંદ લે, અહીં અમુક લોકો કાગળ લઈને આવે છે અને અમુક ફાઈલો લઈને આવે છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારને પોતાનું કામ કરવા દો, આવું કરવાથી સરકાર પડવાની નથી. દેવેન્દ્ર ફડણવીસ પર આડાકતરો પ્રહાર કરતાં તેમણે કહ્યું કે લોકતંત્રમાં દરેક વ્યક્તિને ફરીથી મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોવાની છૂટ છે, કોઈને PM, કોઈને ગૃહમંત્રી, તો કોઈને રાષ્ટ્રપતિ બનવું છે, પણ આજે મહારાષ્ટ્રમાં અમારી સરકાર છે અને અમારી પાસે બહુમત છે, આવી સરકારને દિલ્હીથી પાડવાની કોશિશ ન થઈ શકે, જે તમે કરી રહ્યા છો, તે બંધારણની વિરુદ્ધ છે.
કેન્દ્રીય ગૃહસચિવ સાથેની મુલાકાત બાદ ફડણવીસે જણાવ્યું કે મારી સામે પુરતા પુરાવા છે જે મેં ગૃહસચિવને સોંપ્યા છે. ગૃહ સચિવે મને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે મારી પાસે પોલીસ અધિકારીઓની બદલીના કોલ રેકોર્ડના ડેટા છે. આ રિપોર્ટને 25 ઓગસ્ટ 2020 થી અત્યાર સુધી દબાવીને કેમ રાખવામાં આવ્યો. પોલીસ અધિકારીઓની ગંભીર વાતચીત આ કોલ રેકોર્ડમાં રેકોર્ડ છે. આ ગંભીર કેસમાં સામેલ લોકોની સામે મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કેમ ન કરી. તે વખતના ડીજીપીએ તપાસની માગ કરી હતી તો શા માટે તેમને રોકવામાં આવ્યા. સીએમે પણ ફાઈલ જોઈ હતી. સરકારે કોને બચાવવા માગે છે.
