ગુજરાતમાં વારંવાર બ્રિજ તૂટવાના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારી સ્થળ પર પહોંચી ગયા છે….😄😉😇
પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિયેટ એડિટર
ગુજરાત જેવા શાંત, સુશિક્ષિત, સમૃદ્ધ અને વિકાસ માટે ‘મોડેલ સ્ટેટ’ની ઉપાધિ ભોગવતા રાજ્યમાં નિર્માણાધીન કે નિર્માણ થઈ ગયાની ગણતરીના જ સમયમાં કરોડો રૂપિયાના ખર્ચે બંધાયેલા બ્રિજમાં ગાબડા પડવા માંડે, કેટલોક ભાગ તૂટી પડે કે હાટકેશ્વરની જેમ આખેઆખો બ્રિજ ખખડી જાય છે. છેલ્લા વર્ષોમાં બ્રિજ તૂટવાની ઘટનામાં અસામાન્ય વધારો થયો છે જે એક જ બાબત દર્શાવે છે. નબળું બાંધકામ મજબૂત ભ્રષ્ટાચાર.
પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજનો રેલ્વે ટ્રેક પાસેનો એક ભાગ ધડાકાભેર તૂટી પડતા આસપાસમાં ભયનું વાતાવરણ જન્મ્યુ હતું. તૂટી પડેલા સ્લેબની નીચે એક રીક્ષા અને ટ્રેક્ટર ચગદાઈ જવા સાથે બે નિર્દોષ યુવાનોએ તેમના જીવ ખોયા હતા. આશ્ચર્ય અને આઘાતની બાબત છે કે બ્રિજના કોન્ટ્રાક્ટર જી.પી. ચૌધરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદમાં હલકી ગુણવત્તાવાળા રોડ બનાવતા હતા તે પહેલા જ વરસાદે તૂટી ગયા હતા. ઉપરાંત આઇઓસીના ડામરના નકલી બિલો પણ પાસ કરાવ્યા હતા, જે અંગે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ તેને બ્લેકલિસ્ટ કર્યા હતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. હવે બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કઈ રીતે મળ્યો? શું બ્લેકલિસ્ટની મુદત પૂરી થઈ ગઈ હતી! વચ્ચે માર્ગ અને મકાનના એક મંત્રીશ્રીએ તેમનું પીરાણા-કમોડ રોડ માટે જાહેર સન્માન કર્યુ હતુ. આ તમામ બાબતો ભ્રષ્ટાચાર સામે અંગુલી નિર્દેશ કરે છે.
સરકારમાં અને મ્યુનિ. કોર્પોરેશનમાં રોડ, બ્રિજ અને પાણી ગટરના ટેન્ડરો સૌથી મોટી રકમના હોય છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર ને કમિશન આ કામોમાં થાય છે. તગડી કમાણી કર્યા બાદ આ કોન્ટ્રાક્ટરોને રાજકારણીઓ સાથે સાંઠગાંઠ કરવાનો માર્ગ મોકળો થઈ જાય છે. અગાઉની સરકારના કેટલાક સિનિયર મંત્રીઓના મોટાભાગના કોન્ટ્રાક્ટરો ભાઇબંધો થઈ જાય છે. ચૂંટણીફંડ જિંદાબાદ.
રાજ્ય સરકારના રોડ્સ એન્ડ બિલ્ડિંગ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ-એન્જિનિયરોના અનેક ભ્રષ્ટાચારો છાપે ચડેલાં છે. એક ટોચના અધિકારીને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સાફસૂફીના ભાગરૂપે સજારૂપ જગ્યાએ મૂકી દીધા છે. પણ તેમના સમયમાં થયેલા ગોટાળાઓ હજુય સપાટી પર આવી રહ્યા છે. સરકારમાં બેઠેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓનો સોફ્ટ કોર્નર હજુય આ અધિકારી ધરાવે છે અને તેમને પરત લાવવા પેંતરા રચી રહ્યાનું બહાર આવ્યું છે.
હાટકેશ્વર બ્રિજ ચાર જ વર્ષમાં તૂટી ગયો અને એએમસીના કપાળે કાળી ટીલી લગાવતો ગયો છે. મોરબીનો ઝુલતો પૂલ તૂટી પડતા 141 નિર્દોષોના જીવ ગયા હતા. હવે ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલ નિર્દોષ છે ને તેમને મુક્ત કરાવવાની બ્રિફ લઈને આશ્ચર્યજનક રીતે કોંગ્રેસના નેતાઓ ફરી રહ્યા છે. જ્યારે તેમના નેતા રાહુલ ગાંધીએ જ કડક સજાની માંગણી કરી હતી !
રોડ્ઝ એન્ડ બિલ્ડિંગ વિભાગના ઉચ્ચ ધિકારીઓ તેમના વિભાગની ટેન્ડરની શરતોની, કોન્ટ્રાક્ટરોની ખામીઓ શોધવાના બદલે માહિતી લીક ક્યાંથી થાય છેઅને મીડિયા સુધી કેવી રીતે પહોંચે છે તેની ગડમથલમાં શક્તિ વેડફી રહ્યા છે. હવે જે સત્ય છે તે બહાર આવ્યા વગર રહેવાનું નથી, ખોટું થતું અટકાવો, બાકી જે થશે તે લોકો સુધી પહોંચશે જ.
છેલ્લા વર્ષોમાં 14થી વધુ બ્રિજ તૂટી ગયા છે, અનેકમાં ગાબડા પડ્યા છે, આ બાબતનો અભ્યાસ કરી કાયમી નિરાકરણ જરૂરી છે. બાકી તો પ્રજાના નાણાનો દૂરુપયોગ થતો રહેશે, તે પણ પ્રજાના જાનના જોખમે.
આ પણ વાંચોઃ Price Hike/ તહેવાર સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો, 15 દિવસમાં ભાવ 50 ટકા થયો
આ પણ વાંચોઃ Price Hike/ તહેવાર સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો, 15 દિવસમાં ભાવ 50 ટકા થયો
આ પણ વાંચોઃ અવસાન/ પંચમહાલના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન