સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ખારાઘોડા રણમાં નર્મદા કેનાલનું પાણી આેવરફલો થઇ રણમાં કાળી મજુરી કરી મીઠું પકવતા અગરોમાં ફરી વળતા અગરીયાની હાલત કફોડી બની છે. અંદાજે ૫૦૦ જેટલા અગરોમાં નર્મદાના નીર ફરી વળતા આ વર્ષે મીઠાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે ત્યારે અગરીયાને થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સર્વે કરી અગરીયાને સહાય ચૂકવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખારાધોડા રણમાં દર વર્ષે નર્મદા કેનાલનું પાણી ફરી વળે છે ત્યારે આ વર્ષે પણ કેનાલનું પાણી આફત બની મીઠાના અગરોમાં ફરી વળતા અગરીયાને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખારાઘોડા રણમાં દેગામ સહાકરી, સવલાસ સહકારી, હિમંતપુરા સહકારી દસાડા સહકારી, ડીવીએસ સહકારી, ક્રુષ્ણા સહકારી સહીતની મંડળીના અંદાજે ૫૦૦ જેટલા મીઠાના અગરોમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા સમગ્ર રણ જળમગ્ન બની ગયું છે. જેને કારણે મીઠાના અગરોમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
છેલ્લા ૧૫ વર્ષથી દર વર્ષે રણમાં મીઠાના અગરમાં નર્મદાનું પાણી ફરે વળે છે અને દર વર્ષે અગરીયાઆેને તંત્રના પાપે નુકશાની સહન કરવાનો વારો આવે છે. આ વર્ષે અંદાજે ૫૦૦ જેટલા મીઠાના અગરોમાં પાણી ફરી વળતાં એક અગર દીઠ ઉત્પાદનમાં ૧૫૦ થી ૨૫૦ ટન જેટલો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે અને અગરીયાદીઠ અંદાજે રૂપિયા ૧ લાખ જેટલું નુકસાન થયું હોવાનો અગરીયા આગેવાનોનો અંદાજ છે. અગાઉ પણ રણમાં પાણી ફરી વળવા મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઇ કાર્યવાહી ન કરતું હોવાનો અગરીયાઆેનો આક્ષેપ છે. તેમજ આ વર્ષે તો અગાઉ માવઠાનો માર અને હાલ નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરીયાઆેને બેવડો માર સહન કરવાનો વાર આવ્યો છે ત્યારે આ મામલે સરકર દ્વારા તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી અગરીયાઆેની માંગ છે
રિપોર્ટર: અશોક રામી, સુરેન્દ્રનગર
