લખનઉ,
છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે અનેક વિવાદો સામે ચાલી રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણીઓમાં પણ આ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વિવાદિત મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાહ જોવાનું કહેનારા ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ હવે એક પગલું આગળ વધીને નિવેદન આપ્યું છે.
યુપીના નાયબ મુખ્યપ્રધાને રામ મંદિરના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરતા કહ્યું, “મંદિરના નિર્માણ માટે જયારે કોઈ વિકલ્પ બચતો નથી, ત્યારે કેન્દ્ર સરકાર સંસદમાં એક પ્રસ્તાવ લાવી શકે છે”.

જો કે હાલમાં સંસદના બંને ગૃહોમાં ભાજપની બહુમતી ન હોવા અંગે જણાવતા મૌર્યએ ચૂંટણીના સંકેતો પણ આપ્યા છે. તેઓએ કહ્યું, “રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે અને આ મામલે સતત સુનાવણી ચાલી રહી છે. અમને આશા છે કે, ટુંક જ સમયમાં આ મુદ્દે નિર્ણય આવી શકે છે”.
સંસદના ઉપલાગૃહમાં ભાજપ પાસે નથી બહુમતી
કેશવપ્રસાદ મૌર્યએ રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી ન હોવા અંગે જણાવતા કહ્યું, “અત્યારે રામ મંદિર નિર્માણ માટે તેઓ પ્રસ્તાવ લાવી શકે એમ નથી, કારણ કે તેને રાજ્યસભામાં પારિત કરવામાં મુશ્કેલી આવશે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “કેન્દ્ર સરકાર આ સંબંધમાં કાયદો લાવી શકે છે જયારે ભાજપ પાસે સંસદના બંને ગૃહોમાં બહુમતી હશે. જયારે આ સ્થિતિ આવશે ત્યારે પ્રસ્તાવ લાવવા માટેનો કોઈ વિક્પ્લ બચશે નહિ અને બંને ગૃહોમાં ભાજપ પાસે પર્યાપ્ત સાંસદો હશે, આ બંને વાત યાદ રાખવી જરૂરી છે”.
રામ મંદિરનું નિર્માણ આ લોકો માટે હશે શ્રદ્ધાંજલિ
મૌર્યએ આ પણ કહ્યું કે, “અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અને સ્વર્ગીય નેતા અશોક સિંઘલ, રામ જન્મભૂમિ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ રામચંદ્ર દાસ પરમહંસ અને માર્યા ગયેલા કારસેવકો માટે શ્રાધ્ધાંજલિ હશે”.
