બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિંહના જયંતિ સમારોહને લઈને આગામી 21 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ કાર્યક્રમમાં બિહાર કોંગ્રેસના સહપ્રભારી અલ્પેશ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
જણાવી દઈએ કે, ગુજરાતમાં બીહારીઓ વિરુદ્ધ થયેલી હિંસાને લઈએ કોંગ્રેસ હાલ, ફજેતી ભોગવી રહી છે. અલ્પેશ ઠાકોરને આ હિંસાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા અને પાર્ટીના ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અખિલેશ સિંહે બુધવારે પત્રકારોને જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરને આ કાર્યક્રમનું આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.
અલ્પેશ ઠાકોરને આ કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાના કારણો વિષે પૂછતાં, એમણે જવાબ આપવાના બદલે ગુજરાત સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, તેઓ એમની નિષ્ફળતા છુપાવવા માટે ઉત્તર ભારતીયો પર હુમલા અને એમના પલાયન માટે અલ્પેશ ઠાકોરને જવાબદાર ઠેરવે છે.
