બેંગલુરુ,
કર્ણાટક ચૂંટણીમાં ત્રિશુંક વિધાનસભા રચાઈ હતી. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા સૌથી મોટી પાર્ટી ભાજપને સૌપ્રથમ સરકારના ગઠન માટે આમંત્રણ આપ્યું હતું. વજુભાઈ વાળાના આ નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પીટીશન પર સુનાવણી હાથ ધરાતા કોર્ટ દ્વારા શનિવારે ૪ વાગ્યા સુધી ભાજપને ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
વિધાનસભામાં પોતાનો ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે બી એસ યેદિયુરપ્પા સહિતના ભાજપના ૧૦૪ ધારાસભ્યો તેમજ કોંગ્રેસ-જેડીએસના MLA પણ પહોચી ચુક્યા છે. ત્યારે હવે આ ફ્લોર ટેસ્ટ માટે બધાની નજર અત્યારે આ ચૂંટણી વિજેતા થયેલા કોંગ્રેસના ૧૮ અને જેડી(એસ)ના ૨ લિંગાયતના ધારાસભ્યો પર ટકેલી છે.
બીજી બાજુ ભાજપના ઘણાં નેતાઓ માની રહ્યા છે કે, લિંગાયત વિધાનસભ્યો યેદિયુરપ્પાના ફ્લોર ટેસ્ટ દરમિયાન ભાજપ તરફી ક્રોસ વોટીંગ કરશે, જેથી ભવિષ્યમાં તેમને લિંગાયત સમાજના ગુસ્સાનો ભોગ બનવું ના પડે.
ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ, “પાર્ટી એવી આશા રાખી રહી છે કે લિંગાયત સમાજ કોંગ્રેસના સમાજમાં ભાગલા પાડવાના ચુંટણીલક્ષી ખેલથી નિરાશ છે. લિંગાયત વિધાનસભ્યો પહેલાથી જ કોંગ્રેસના સમાજને તોડી પાડવાના ખેલથી નારાજ છે અને હવે જયારે કોંગ્રેસે જેડી(એસ) જેવા લિંગાયત વિરોધી પક્ષ સાથે ગઠબંધન કર્યું છે ત્યારે કોંગ્રેસી લિંગાયત વિધાનસભ્યો યેદિયુરપ્પા કે જેમને લિંગાયત સમાજના નેતા ગણવામાં આવે છે એમની વિરુદ્ધ વોટિંગ કરીને સમાજના ગુસ્સાનો ભોગ બને એવું નહિ કરી શકે છે”.
એક ધારાસભ્યના જણાવ્યા મુજબ, “સીએમ બન્યાના શપથ બાદ યેદિયુરપ્પાએ ધારાસભ્યોને તેમના અંતરઆત્મા મુજબ વોટિંગ કરવાની અપીલ કરી એ વિરોધી લિંગાયત ધારાસભ્યો માટે જ હતી”.
બીજી બાજુ નોર્થ કર્ણાટકના ઘણાં કોંગ્રેસી ધારાસભ્યો એવું માની રહ્યા છે કે, યેદિયુરપ્પાની હાર ભાજપને આવનારી લોકસભા ચુંટણીમાં લિંગાયતના મત એકત્રિત કરવામાં મદદ કરશે”.
બીજા એક ભાજપના સૂત્રના જણાવ્યા મુજબ, “કોંગ્રેસ અને જેડી(એસ)ના ધારાસભ્યો વચ્ચે પણ અવિશ્વાસ હોઈ, વચ-ગાળાની ચુંટણીઓની પણ શક્યતાઓ નકારી શકાતી નથી.
મહત્વનું છે કે, કર્ણાટક રાજ્યમાં થયેલી ચુંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પુત્ર અને મુખ્યમંત્રી પદના દાવેદાર એચ ડી કુમારસ્વામીની પાર્ટી જેડીએસ સાથે મળીને બહુમતી સાબિત કરવાનો દાવો કર્યો હતો.
અત્યારસુધી જોવા મળેલા સસ્પેન્સ બાદ અંતે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ૧૦૪ સીટ મેળવી બનેલી સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર રચવા માટે સૌપ્રથમ આમંત્રણ આપ્યું હતું.
જો કે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપના બી એસ યેદિયુરપ્પાને આવતીકાલે એટલે કે શનિવાર ૪ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે આદેશ આપ્યો છે.
