નવી દિલ્હી,
ચાલુ વર્ષના અંતમાં યોજાનારી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ કમર કસવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા પાર બિરાજમાન થવા માટે કોંગ્રસ દ્વારા “પ્લાન ૭૫” પાર ખાસ રણનીતિ બનાવવાની તૈયારીમાં છે.
ત્રણેય રાજ્યોમાં વિપક્ષમાં રહેલી કોગ્રેસ પાર્ટી દ્વારા આ રાજ્યોની કુલ ૭૫ સીટો પર ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે અને ભાજપના દિગ્ગજોને ઘેરવામાં આવશે.

શું છે પ્લાન ૭૫ ?
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને ત્રણ રાજ્યોની આ ૭૫ સીટો પર સતત પરાજયનો સામનો કરવો પડ્યો છે, ત્યારે હવે પાર્ટી દ્વારા આ ખાસ પ્લાન બનાવવાની તૈયારી કરાઈ રહી છે.
કોંગ્રેસના આ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન માટે મધ્યપ્રદેશની ૩૦, રાજસ્થાનની ૨૫ અને છત્તીસગઢની ૨૦ એવી સીટોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં પાર્ટીનું સેવા દળની વિશેષરૂપથી શિક્ષિત ટીમો પ્રચાર કરશે.

BJPના મહારાથિયો સામે કરાશે ડોર ટુ ડોર પ્રચાર
કોંગ્રેસ સેવા દળના મુખ્ય સંગઠક લાલજીભાઈ દેસાઈએ સમાચાર એજન્સી ANIએ જણાવ્યું હતું કે, “ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં સેવા દળ કોંગ્રેસ માટે સક્રિય રૂપથી પ્રચાર કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ યોગ્ય રીતે થઇ રહ્યુ નથી. હવે અમે આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરીથી આ શરુ કરવા જઈ રહ્યા છે”.
તેઓએ વધુમાં કહ્યું, “સેવા દળ અંદાજે ૭૫ સીટો પર ચૂંટણી કરી રહ્યું છે જેના પર પાર્ટીના નેતૃત્વ સાથે વાતચીત થઇ ગઈ છે. પહેલા એ સીટોના મુદ્દાઓને લઇ સર્વેક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ ભાજપના મહારાથિયો સામે અમારો ડોર ટુ ડોર પ્રચાર શરુ થશે”.
