નવી દિલ્હી,
રાફેલ વિમાન ખરીદીના વિવાદને લઈને હવે વધુ કોઈ વિમાન ખરીદીની શક્યતા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયુ છે. આગામી સમયમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રો ભારત આવી રહ્યા છે. ૨૦૧૬માં ભારત અને ફ્રાંસ વચ્ચે ૩૬ રાફેલ વિમાનની ખરીદીનો કરાર થયો હતો. તેમજ સરકાર વધુ રાફેલ વિમાનની ખરીદી કરવાની યોજનામાં હતી, પરંતુ રાફેલ કરારને લઈ થયેલ વિવાદ બાદ હવે આ શક્યતા ખૂબ જ ઓછી બની ગઈ છે. હવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે, કે ભારત રાફેલ એન્જીન એમ ૮૮ની ખરીદી કરીને ભારતીય બનાવટના તેજસ વિમાનોમાં ફિટ કરી શકે છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો ૯થી ૧૨ માર્ચ સુધી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં વડાપ્રધાન મોદી અને મૈક્રો વચ્ચે ૧૦ માર્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે. ભારત અને ફ્રાંસ વચ્ચે છેલ્લા ૨૦ વર્ષથી સુરક્ષા બાબતે ભાગીદારી રહી છે. ત્યારે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, કે આ બેઠક દરમિયાન ભારતીય બનાવટના તેજસ વિમાન માટે એમ ૮૮ એન્જીન ખરીદવાના કરાર થઈ શકે છે.
છેલ્લા કેટલાક સમયથી તેજસને વાયુ સેનામાં સામેલ કરવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. વિમાનના એન્જીનને લઈ ખામી હોવાની ફરીયાદ સામે આવી હતી. ત્યારે હવે સરકાર તેજસમાં રાફેલના એન્જીન લગાવી આ ખામી દૂર કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે એલઈએમઓએ કરાર થઈ શકે છે. જે અંતર્ગત બન્ને દેશો પોતાના લશ્કરી મથકો પર ફ્યુઅલ સહિતની સુવિધા મેળવી શકશે.