બેંગલુરુ,
કર્ણાટક રાજ્યમાં થયેલી ચુંટણીના પરિણામ મંગળવારે જાહેર કરાયા હતા. જાહેર કરાયા રિઝલ્ટમાં કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. ત્યારથી જ રાજ્યમાં સરકારના ગઠન અંગે અનેક અટકળો સામે આવી રહી હતી.
આ ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે તેઓએ પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પુત્ર અને મુખ્યમંત્રી પદના દાવેદાર એચ ડી કુમારસ્વામીની પાર્ટી જેડીએસ સાથે મળીને બહુમતી સાબિત કરવાનો દાવો કર્યો હતો.
જો કે ત્યારબાદ જોવા મળેલા સસ્પેન્સ બાદ અંતે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ૧૦૪ સીટ મેળવી બનેલી સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર રચવા માટે સૌપ્રથમ આમંત્રણ આપ્યું હતું. ત્યારથી જ રાજ્યપાલના આ નિર્ણય અંગે અનેક સવાલો ઉભા થયા હતા.
જો કે ત્યારથી જ માનવામાં આવી રહ્યું હતું કે, આ નિર્ણય પાછળ રાજ્યપાલ વજુભાઈ વાળાએ આજથી ૨૨ વર્ષ પહેલાનો કોઈ બદલો લીધો હોય, પરંતુ આ એક સત્ય છે.
અંગ્રેજીમાં એક કહેવત છે “History repeats itself“ મતલબ કે ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. એ જ પ્રમાણે હાલ આત્યારે કર્ણાટકમાં જોવા મળી રહ્યું છે.
હકીકતમાં, આ વાત આજથી ૨૨ વર્ષ પહેલા એટલે લે ૧૯૯૫-૯૬ની છે, જયારે ગુજરાતમાં પહેલી જ વખત ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર બની હતી. ૧૮૨ વિધાનસભ્યો વાળી ગુજરાત વિધાનસભામાં ત્યારે ૧૨૧ સભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા. શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનાવવાની વાતો ચાલી રહી હતી, પણ નરેન્દ્ર મોદીના પીઠબળના કારણે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
ત્યારે આ નિર્ણયથી નારાજ થઈને શંકરસિંહ વાઘેલાએ અન્ય ૪૭ MLAનો સાથ લઈને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભારતીય જનતા પાર્ટીની સરકારને લઘુમતીમાં લાવી દીધી હતી. પરંતુ ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર બહુમતી સાબિત કરે એ પહેલા જ ત્યારના વડાપ્રધાન એચ ડી દેવગૌડાના નિર્દેશથી રાષ્ટ્રપતિએ ભાજપની આ સરકારને બરતરફ કરી દેવાનો આદેશ આપ્યો.
ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ હતા વજુભાઈ વાળા. વજુભાઈએ પણ ત્યારે ગુજરાત ભાજપના MLAનો સાથ લઈને રાષ્ટ્રપતિ ભવન સામે બહુમતી સાબિત કરવા માટે પરેડ કરી હતી. પણ, હવે સમય બદલાય ચુક્યો છે, અત્યારે ૨૦૧૮ ચાલી રહ્યું છે અને ભાજપની પૂર્ણ બહુમતી વાળી નરેન્દ્ર મોદીની સરકાર, દિલ્હીમાં શાસન કરી રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ છે.
ત્યારે મનાઈ રહ્યું છે કે, શું આ નિર્ણય લઈને વજુભાઈ ૨૨ વર્ષ પહેલાનો બદલો વળ્યો ? શું વજુભાઈએ ૨૨ વર્ષ પહેલા રમાયેલી ચાલનો બદલો પ્રતીચાલથી વાળીને દેવગૌડાને ચેકમેટ કર્યા?
