પટના,
પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચાનુ કેન્દ્ર રહેતા કેન્દ્રીય મંત્રી ગીરિરાજસિંહે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. આ વખતે ગીરિરાજસિંહે જણાવ્યુ છે કે મુસ્લિમ બાબરના નહીં પણ રામના વંશજ છે. ગીરિરાજસિંહ અહીંથી અટક્યા નહતા. તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યુ હતુ. સિંહે જણાવ્યુ હતું કોંગ્રેસ કે વિપક્ષ હિન્દુ આતંકવાદની વાત કરે છે તો તેમણે આ માટે પ્રાયશ્ચિત કરવુ જાઈએ. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતુ કે જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશમાં અસહિષ્ણુ લોકો ઉત્પન્ન થઈ ગયા છે. કોંગ્રેસ સહિત વિપક્ષ પાસે કોઈ જ માર્ગ રહ્યો નથી. તેથી તેઓ મત બેંકના રાજકારણ માટે ઝિણાનો સહારો લઈ રહ્યા છે.
તેમણે જણાવ્યુ હતું કે ઝિણા ક્યારેય ભારતના લોકોના આદર્શ બની શકે નહીં. આ દરમિયાન તેમણે રામ મંદિર મુદ્દે પણ નિવેદન આપ્યુ હતું. ગીરિરાજસિંહે જણાવ્યુ હતું કે રામ મંદિર અયોધ્યામાં જ બનશે. મુસ્લિમો એ મસ્જીદ બાંધવી હોય તો મક્કા મદિના પહોંચી જાય. અયોધ્યામાં નહીં બાંધવા દઈએ. આ પહેલા ગીરિરાજસિંહે ઝિણા પ્રકરણને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
સિંહે જણાવ્યુ હતું કે ઝિણાનો જિન ભારતમાં પ્રવેશી ગયો છે. દેશમાં ફેલાયેલ સાંપ્રદાયિક વાતાવરણ માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ ભારતના ભાગલા પડાવવા માંગે છે.
