બેંગલુરુ,
કર્ણાટક ચૂંટણીમાં રચાયેલી ત્રિશુંક વિધાનસભા બાદ સરકારના ગઠનને શનિવારે કરવામાં આવી રહેલા ફ્લોર ટેસ્ટને લઇ દેશભરમાં ચર્ચાનો વિષય જોવા મળી રહી છે. ત્યારે આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાનું ભવિષ્ય નક્કી થઇ શકે છે.
વિધાનસભા ગૃહમાં બહુમતી હાંસલ કરવા માટે ભાજપના તમામ ૧૦૪ MLA પહોચી ચુક્યા છે જયારે આ દરમિયાન કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો પણ ગૃહમાં ઉપસ્થિત છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ નિયુક્ત કરેલા પ્રોટેમ સ્પીકર કે જી બોપૈયા સદનમાં ફ્લોર ટેસ્ટ પાસ કરાવશે.
ત્યારે તમામ લોકોને સવાલો ઉભા થતા હોય છે કે ફ્લોર ટેસ્ટ શું હોય છે અને બહુમતી કેવી રીતે સાબિત કરવામાં આવે છે.
શું હોય છે ફ્લોર ટેસ્ટ :
સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય બાદ શનિવારે ૪ વાગ્યા સુધીમાં ભાજપને બહુમતી હાંસલ કરવી પડશે. ફ્લોર ટેસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવે છે કે, વર્તમાન સરકાર અથવા તો મુખ્યમંત્રી પાસે બહુમતી છે કે નહીં. ચુંટાયેલા ધારાસભ્યો પોતાના મત દ્વારા સરકારના ભવિષ્યનો નિર્ણય કરતા હોય છે.
તમને જણાવી દઈએ કે, ફ્લોર ટેસ્ટ એ વિધાનસભા ગૃહમાં ચલાવવામાં આવતી એક પારદર્શી પ્રક્રિયા છે અને જેમાં રાજ્યપાલની કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી. સત્તા પર બેઠેલી પાર્ટી પર એ જરૂરી હોય છે કે તેઓ ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરે.
પ્રોટેમ સ્પીકર કરશે નિર્ણય
સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, આ પૂરી પ્રક્રિયા પ્રોટેમ સ્પીકરની નજર હેઠળ આયોજિત કરવામાં આવે છે. સાથે સાથે તેઓ ફ્લોર ટેસ્ટને સબંધિત તમામ નિર્ણયો પણ લઇ શકે છે. પરંતુ કોંગ્રેસ અને જેડીએસના MLA દ્વારા કે જી બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવા વિરુધ સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા આ પીટીશનને ફગાવવામાં આવી છે.
ફ્લોર ટેસ્ટ દરમિયાન ચુટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા બાદ પ્રોટેમ સ્પીકર પાસે બે વિકલ્પ હોઈ શકે છે. એક બાજુ જ્યાં ફ્લોર ટેસ્ટ કરાવવા માટે નિર્ણય લઇ શકે છે અથવા તો તેઓ બહુમતી હાંસલ કરવા માટે વોટિંગ કરાવવા માટે આદેશ આપી શકે છે. અથવા તો તેઓ આ પહેલા ગૃહમાં સત્રના સ્પીકરની પસંદગી કરી શકે છે.
જયારે વોટિંગ કરવામાં આવે છે તે પહેલા MLA દ્વારા ધ્વનિ મત લાવવામાં આવી શકે છે. ત્યારબાદ કોરમ બેલ વગાડવામાં આવશે અને ગૃહમાં ઉપસ્થિત તમામ પક્ષ અને વિપક્ષના MLAને છુટા પડવા માટે કહેવામાં આવશે.
આ ધારાસભ્યો ગૃહમાં બહુમતી થઇ શકે અથવા નહીં ત્યારે તેઓ લોબીની તરફ પોતાનું વલણ રાખી શકે છે. ત્યારબાદ પક્ષ-વિપક્ષમાં વહેચાયેલા MLAની ગણતરી કરવામાં આવશે અને અંતમાં સ્પીકર પોતાનું પરિણામ ઘોષિત કરતા હોય છે.
મહત્વનું છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની કુલ ૨૨૨ બેઠકોમાં ભાજપને ૧૦૪ સીટ મળી છે અને તેઓ હાલમાં બહુમતના આંકડાથી ૮ સીટ દૂર છે. જયારે કોંગ્રેસના ૭૮ અને JD(S)ના ૩૭ MLAના ગઠબંધન બાદ તેઓ પાસે કુલ ૧૧૫ ધારાસભ્યો તેમજ BSPના ૧ અને અન્યના ૨ MLA છે.
