નવી દિલ્હી,
થોડાક સમય અગાઉ જ સામે આવેલા પીએમ મોદીની હત્યા અંગેના પત્ર બાદ હવે વડાપ્રધાનની સુરક્ષા અભેદ કરવા માટે એક નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા પીએમ મોદીની સુરક્ષા અંગેની આ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદીને અત્યારસુધીની “ઓલ ટાઈમ હાઈ” ધમકી છે અને અગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ સૌથી મોટો ટાર્ગેટ છે”.
ગૃહ મંત્રાલયના આ દિશાનિર્દેશ અનુસાર, “વડાપ્રધાનની સુરક્ષા કરી રહેલી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ની ખાસ ટીમની પરવાનગી વગર હવે કોઈ પણ મંત્રીની સાથે સાથે અધિકારીઓ પણ પીએમ મોદીની નજીક જઈ શકશે નહિ”.

ગૃહ મંત્રાલયના સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે, નક્સલીઓ પ્રધાનમંત્રી મોદીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ જ નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ભીમા-કોરેગાવમાં થયેલી હિંસા બાદ પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી એક પત્ર પણ મળ્યો હતો, જેમાં પીએમ મોદીની હત્યા કરવાની ધમકી અપાઈ હતી.

ચાલુ મહિનાની શરૂઆતમાં મળેલી બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીની સુરક્ષા વધારવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ડાયરેક્ટર રાજીવ જૈન શામેલ થયા હતા.
આ પહેલા મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ૭ જૂનના રોજ પુણાની એક કોર્ટને સૂચિત કર્યા હતા કે, તેઓને ૬ જૂનના રોજ દિલ્લીના રહેવાસી રોના વિલ્સનના ઘરેથી એક પત્ર જપ્ત કર્યો હતો, જેમાં મોદીના રોડ શો દરમિયાન તેઓને નિશાન બનાવવાનું જણાવવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી જ ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ચહેરો છે તેમજ આ ચૂંટણીના પ્રચાર-પ્રસાર તેમજ રોડ શો દરમિયાન પણ તેઓને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે, જેથી આ નવી અભેદ સુરક્ષાની ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.
