એક આરટીઆઈ ના જવાબમાં પીએનબી બેંકે જવાબ આપતા કહ્યું છે કે નાણાકીય વર્ષ 2017-18માં પોતાના ખાતાધારકો પાસેથી મિનીમમ બેલેન્સ નહિ રાખવા માટે દંડની રકમ વસુલવામાં આવી છે જેનો કુલ આંકડો 151.66 કરોડ રૂપિયાનો છે.
આ એ જ બેંક છે કે, જે બેંકના 14 હજાર કરોડ રૂપિયા ઉધાર લઈને નિરવ મોદી ફરાર થઇ ગયો છે ત્યારબાદ આ બેંકની અને તેની આંતરિક સિસ્ટમ માટે ઘણી આલોચનાઓ થઈ હતી.

આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે માગેલી માહિતીના જવાબ રૂપે પંજાબ નેશનલ બેંકે જણાવ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષમાં બેંકના કુલ 1.23 કરોડ ખાતાધારકો હતા. જેમાં પોતાના ખાતામાં મીનીમમ બેલેન્સ નહિ રાખનાર ખાતાધારકો પાસે 31.99 કરોડ રૂપિયા દંડ રૂપે પહેલા કવાર્ટરમાં વસુલવામાં આવ્યા હતાં, બીજા કવાર્ટરમાં 29.43 કરોડ રૂપિયા, ત્રીજા કવાર્ટરમાં 37.27 કરોડ રૂપિયા અને ચોથા કવાર્ટરમાં સૌથી વધુ 52.97 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા હતાં.

બેન્કના ખાતામાં મીનીમમ બેલેન્સ રાખવાના નિયમ આ મુજબ છે. જેમાં ગ્રામીણ વિસ્તારની બેંકના ખાતામાં 1000 રૂપિયા 3 મહિનાનું ક્વાર્ટર પૂરું થાય ત્યાં સુધી રાખવા જરૂરી છે. અને અર્ધશહેરી તથા શહેરી અને મેટ્રો સિટીના વિસ્તારની બેંકના ખાતામાં 2000 રૂપિયા રાખવા જરૂરી છે. જયારે બેંક ખાતાધારકો પાસેથી મીનીમમ બેલેન્સ નહિ રાખવા અંગે 20 રૂપિયાથી લઈને 250 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે.
