મુંબઈ, તા.૦૫
બીસીસીઆઈએ આર્થિક અનિયમિત્તાના આરોપમાં લલિત મોદીને ૨૦૧૦માં સસ્પેન્ડ કર્યા હતા. ત્યારથી આઈપીએલના આ પૂર્વ ચેરમેન ભારત છોડીને લંડન રહે છે. જોકે, બીસીસીઆઈ સાથે તેમનો સંબંધ હજી પણ યથાવત છે. શનિવારે ભારતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી અંડર-૧૯ વર્લ્ડકપ જીત્યો હતો. જોકે, તે જ દિવસે બોર્ડે પોતાની વેબસાઈટને લઈ શરમજનક સ્થિતિમાં મુકાવુ પડ્યુ હતું.
બોર્ડની વેબસાઈટ બીસીસીઆઈ ડોટ ટીવીએ કામ કરવાનુ બંધ કરી દીધુ છે. તેમજ સુત્રોએ વેબસાઈટ બંધ થવા પાછળનુ જે કારણ બતાવ્યુ છે તે ચોંકાવનારુ છે.
બીસીસીઆઈના સુત્રોના જણાવ્યા મુજબ, બીસીસીઆઈના ઈન્ટરનેટ ડોમેન પર હજી પણ લલિત મોદીનુ નામ છે. જેમણે વેબસાઈટ રીન્યુ કરવા માટે નાણાં ચુકવ્યા નહતા. આ ડોમેન ફેબ્રુઆરી ૨૦૦૬થી ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી જ માન્ય હતુ, તેને અપડેટ કરવાની તારીખ ૩ ફેબ્રુઆરી ૨૦૧૮ હતી.
પરંતુ વેબસાઈટ લલિત મોદીના કંટ્રોલમાં હોવાથી કોર્ટના આદેશ મુજબ લલિત મોદીએ જ આ વેબસાઈટ રીન્યુ કરાવવાની હતી. આ માટે બોર્ડના અધિકારીઓએ લલિત મોદીનો સંપર્ક કરવાનો હતો. જોકે, બોર્ડ તરફથી આ મામલે લલિત મોદીનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નહીં. મહત્વની વાત એ છે કે, મોદીએ વેબસાઈટ ડોમેન ૨૦૦૬માં ખરીદી હતી. ત્યારે વેબસાઈટનો માલિકી હક તેમના નામે હતો. બીસીસીઆઈ દ્વારા લલિત મોદી પર પ્રતિબંધ મુકવા છતાં પણ ડોમેનના અધિકાર બદલાવામાં આવ્યા ન હતા.
