હોળી-ધૂળેટીએ તમે જો રંગોથી ન રમો તો તહેવાર અધૂરો લાગે છે. પરંતુ ઘણા લોકો આ તહેવારમાં પાકા કલરનો ઉપયોગ કરતા હોવાથી કેટલાક લોકો રંગોથી રમવાનું ટાળે છે. તમે જો ધુળેટીમાં માત્ર એટલા માટે રંગથી રમવાનું ટાળો છો કે તમારા ચહેરાની સુંદરતા ખરાબ ન થાય તો હવે તેની ચિંતા કરવાની જરૂર નથી. બજારમાં આ વખતે એવા કુદરતી રંગો ઉપલબ્ધ છે જે એક કલાક સુધી તમારા ચહેરાને રંગીન રાખશે અને તેના પછી તેને પાણીથી ધોવાની જરૂર પણ નહીં પડે અને તે રંગ આપોઆપ ઊડી જશે.
આ પ્રકારના રંગ દૂર કરવામાં પાણીનો બગાડ નહીં થાય. આ સાંભળીને થોડું અચરજ થશે પણ આ હકીકત છે. ખાસ વાત એ છે કે આ કુદરતી રંગો ગુલાલ જેવા જ છે.
વ્રજમાં ફૂલોની હોળી કુદરતી રીતે રંગોત્સવ મનાવવાનું ઉત્તમ ઉદાહરણ છે. બજારમાં રાસાયણિક તત્વોથી બનેલા રંગોની ભરમાર છે. ત્યારે કુદરતી રંગો પણ પાછળ નથી રહ્યાં. એવા કુદરતી રંગો કે જે ત્વચાને નુકસાન ન કરે અને તેનાથી તમે ધુળેટીમાં રમશો તો તમને લાગશે કે તમારા ચહેરા પર રંગ લાગ્યો છે પણ તે એક-બે કલાક પછી આપોઆપ ઊડી જશે.
