પાપીઓના પાપો અને અપેક્ષાઓનો બોઝ વેંઢારતી ધરતી, નદીઓ , જંગલ , હવા , પર્વતો અને ઇવન સમુદ્ર પણ ચિત્કાર કરી રહ્યા છે. આક્રન્દ કરી રહ્યા છે. કેમ કે તેઓ તેમનું મૂળ સ્વરૂપ અને મિજાજ ગુમાવી ચુક્યા છે. જો, કે કુદરતની પણ સહન શક્તિ જ્યાં પુરી થાય છે, ત્યાં તે એક લાપોટ લગાવી આપણી સમક્ષ લાલબતી ધરે છે, કે બસ હવે બસ..બહુ થયું . પણ આપણે જેમાં ખાસ કરીને દેશના મુઠ્ઠીભર ધનાઢ્યો, જે તે સરકાર અને કંપનીઓ ખાસ તો કુદરતની વાટ લગાવવા મેદાને પડી છે. વિકાસ નામનો રૂપાળો શબ્દ આ લાલચ પાછળ જવાબદાર છે. તેથી જ મનમાં થાય છે કે, નથી જોઈતો આવો વિકાસ કે જે ન કેવળ કુદરતને હાનિ પહોંચાડી રહ્યો છે. બલ્કે માનવજાત પાસેથી તેને કુદરતે જિંદગી જીવવા બક્ષેલા સંશાધનો પણ છીનવી કરોડો લોકોને બરબાદ કરી રહ્યો છે.

વિકાસની લ્હાયમાં વિનાશ નોતરતા કૃત્યોએ ગંગાને તો મેલી કરી જ નાખી છે પરંતુ દેશમાં મુખ્તયવે 9 જેટલી મહત્વની નદીઓ જેમ કે, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, મહાનદી, , ગોદાવરી બેસીન, , તાપી, નર્મદા, સાબરમતી જેવી નદીઓ સિવાય દેશમાં અનેક નાની મોટી નદીઓ છે. જેમાં ગુજરાતમાં જ 10 જેટલી નદીઓ છે. પરંતુ આમાંની મોટાભાગની નદીઓ ખાસતો લોકો અને તંત્રની મુર્ખામીને કારણે કેમિકલયુક્ત અને ગંદી થઇ ચૂકેલ છે. આ નદીઓ નાહવા કે પાણી પીવાને લાયક તો રહી જ નથી.

અને તેમછતાં સરકાર આપણને ટેમ્સ નદીને કાંઠે વસેલ લંડન બનાવવાનું સપનું બતાવેલું હતું.. પરંતુ ક્યાં ટેમ્સ નદીની સ્વસ્છતા અને ક્યાં સાબરમતી નદીની ગંદકી ? અમદાવાદમાં સાબરમતી નદીએ રિવરફ્ન્ટ ખુબ આકર્ષક બનાવવામાં આવેલ છે. પરંતુ હકીકતમાં આ નદી તે અસલમાં રિવરફ્ન્ટના કિનારે કેદ તેનું સ્વરૂપ તટ પૂરતું જ થોડું ઠીક છે. બાકી આ તટ થી થોડે જ દૂર સુએજ અને કંપનીઓ દ્વારા ઠાલવવામાં આવતા કેમિકલથી દુર્ગંધ મારતું નાળું માત્ર છે. આવું જો કે, સાબરમતી સાથે જ થયું છે તેવું નથી. દેશની કે રાજ્યની દરેક નદીની આ જ હાલત આપણે , સરકારે અને ખાસ તો લેભાગુ કોર્પોરેટ કંપનીઓએ કરી છે.

હાલમાં જ હાઇકોર્ટે પીરાણા વિસ્તાર સ્થિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના પાણીને સાબરમતી નદીમાં ઠાલવવા મામલે સુઓમોટો જાહેર હિતની અરજીની સુનવણી કરી હતી. જેમાં કોર્ટે ગુજરાત પ્રદુષણ નિયત્રંણ બોર્ડને આડે હાથ લીધું હતું. અને આદેશ કર્યો છે કે, નદીમાં કોઈપણ પ્રકારના ધારા-ધોરણ વિના છોડવામાં આવતા પાણીના નમૂના લો અને તપાસ કરો. તેમજ ખાસ ટકોર કરી છે કે, પર્યાવર્ણના મુદ્દે જીપીસીબીની ભૂમિકા અગત્યની છે. પરંતુ જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી. અને આટલું જ નહિ પરંતુ જીપીસીબીની બેદરકારીના કારણે જ સાબરમતીમાં 120 કી.મી સુધી પોલ્યૂશન ફેલાઈ ચૂક્યું છે.

અને કોર્ટે તેથી જ આ મામલે જીપીસીબીએ છેલ્લે ક્યારે તાપસ કરી છે ? શું ઉચ્ચસ્તરે બેઠેલા અધિકારીઓ આ ઔધોગિક એકમોને રક્ષણ આપે છે? અને અગર નહીં તો શું ? આના વગર આ ઔધોગિક એકમો આવું કરવાની હિંમત કરે ખરા? વિશેષમાં સણસણતો તમાચો મારતા વ્યન્ગ કર્યો હતો કે, આ લોકો ના ઘરો કદાચ આ વિસ્તારમાં નથી. તેમને તો તેમના પ્રદુષિત પાણીના નિકાલમાં જ રસ છે , બાકી બીજા લોકો ભલેને નર્કમાં જાય . ત્યારે નોંધવું રહ્યું કે, સુપ્રીમ કોર્ટે પ્રદુષણ મુદ્દે અનેક ચુકાદા આપ્યા છે. પરંતુ તેનાથી આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે. દરેક કસુરવારને પકડીશું તો જ આ પ્રશ્નનો ઉકેલ આવશે. પરંતુ આ મુદ્દે જીપીસીબી એકવાર નક્કી કરે કે, કડક પગલાં લેવા છે , પછી જુવો કે કોઈની તાકાત છે કે, કોઈ આવા કૃત્યો કરશે.

આના સિવાય કોર્ટે ખુદ નદીની તપાસમાં કોર્ટમિત્ર સાથે સ્થળ પર ઉપસ્થિત થઈ તાપસ કરવામાં રસ દાખવ્યો છે. પરંતુ ખુદ નરેન્દ્ર મોદીની ખાસ તો ગંગા નદી અંગે ની સફાઈ અને તે માટે નાણાં ફાળવવાની તૈયારીઓ બાદ ગંગા પણ ઠેરની ઠેર છે. ત્યારે સાબરમતી સ્વચ્છ બનશે તેવું કેમ વિચારી લેવું?

આ સિવાય જંગલોની પણ હાલત આ મુઠ્ઠીભર કોર્પોરેટ જગતે આવી જ કરી છે. હાલના જ લેટેસ્ટ અહેવાલો મુજબ, દેશના જંગલોની 13.35 લાખ હેક્ટર જેટલી જંગલની જમીન પર અતિક્રમણ થયું છે. લેભાગુ તત્વોએ તે કોઈને કોઈ રીતે સેરવી લીધી છે. ગ્રીન ઇન્ડિયા અને ગ્રીન ગુજરાતના દાવાઓ વચ્ચે જંગલની આ જમીનો કેન્દ્રીય પર્યાવરણ , વન અને આબોહવા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર, ગુજરાતમાં જે જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે તે જમીન સરકાર પાછી લઇ શકી નથી. અને આવી જ હાલાત દેશમાં અન્ય રાજ્યોની પણ છે.

મંત્રાલય ના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં લગભગ 21870 ચોરસ કિલોમીટર વધુ વિસ્તાર વન વિસ્તાર તરીકે નોંધાયેલો છે. જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના આશરે 11.14 % જેટલો છે. આ વિસ્તાર પૈકી 14372 ચોરસ કિલોમીટરમાં અનામત જંગલ છે. અને 2886 વિસ્તારમાં સુરક્ષિત જંગલ છે. પરંતુ ખુદ સરકાર પાસે તેનો સચોટ ડેટા સરકાર પાસે નથી. તેથી આ આંકડો કાઢવો મુશ્કેલ છે.

ત્યારે આખરે અહીં કહેવાનો આશય તે જ છે કે, શક્તિશાળી હાથો અને નોટોના બંડલ તળે દબાયેલ જીપીસીબી અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નદીઓ કે જંગલો કે હવાના પ્રદુષણ માટે જરાપણ પરવાહ કરતી હોય તેવું ક્યાંય દેખાતું નથી. તો સરકારે આવા સફેદ કહી શકાય તેવા હાથીઓ પાળી શું કામ છે?અને અગર આ સંસ્થા કોઈ કામ જ ન કરતી હોય તો તેને તાળા વાસી લોકોનો ખર્ચ બચાવવો જોઈએ..ભાઈ શું કામ છે આવી સૂતી રહેતી સંસ્થા નું કે જે અત્યંત બેદરકાર છે. આવી સંસ્થઓની મીલીભગત અને પાપોથી જ આજે નદીઓ અને જંગલોનો નાશ થયો છે. જે કોઈ નાની સુની બાબત નથી. કે માફ કરી શકાય તેવી પણ બાબત નથી.. ત્યારે એક જ સવાલ ઉઠે છે કે, આ ન ભરી શકાય તેવા નુકસાન માટે કઈ પાર્ટી પાસે સ્પષ્ટ વિઝન છે અને તેઓ ચૂંટણી એજન્ડામાં આવા મુદ્દાને પ્રાધન્ય આપી સાચે જ કામ કરવા માંગે છે?
@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક
પંજશીરના સરદારની ઘોષણા / તાલિબાન સાથે લડતા સાલેહે કહ્યું – જો હું ઘાયલ થાઉં તો તેને માથામાં ગોળી મારી દેજો
આત્મઘાતી હુમલો / પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો થતાં 3 નાં મોત 20 ઘાયલ
મોટું નિવેદન / ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ખેડૂતો માટે શું કહ્યું જાણો…
