Patan News: પાટણમાં આવેલ પદ્મનાભ વાડીમાં ગેરકાયદે બાંધકામ હોવા મામલે ટ્રસ્ટના પ્રમુખને નોટિસ ફટકારી છે. આ ગેરકાયદે બાંધકામ સાત દિવસની અંદર હટાવી દેવાના મામલતદારે આદેશ આપ્યા છે. મામલતદાર સમક્ષ કોર્પોરેટર દ્વારા વાડીમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાની રજૂઆત કરાઈ હતી. કોર્પોરેટર મામલતદારને લેખિતમાં રજૂઆત કરી કે પદ્મનાભ વાડીમાં મંદિર અને હોલમાં ગેરકાયદેસર બાંધકામ કરાયું છે. ફરિયાદ બાદ ટ્રસ્ટના પ્રમુખને મામલતદારે 7 દિવસની અંદર આ ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ ફટકારી.
પદ્મનાભ વાડીએ પાટણના શ્રી પદ્મનાભ ભગવાન મંદિરનો વહીવટ કરે છે. શહેરમાં વસતા પ્રજાપતિ સમાજ માટે આ મંદિર વધુ મહત્વ ધરાવે છે. વાડીના પ્રમુખ પ્રમોદભાઈ ખેમચંદભાઈ પ્રજાપતિએ મંદિરના પટાંગણમાં મંદિરો અને હોલ બનાવવાને લઈને મૌખિક મંજૂરી આપી હતી. જો કે ફરિયાદ બાદ મામલતદાર સહિત અન્ય સ્ટાફને સાથે રાખી સ્થળની તપાસ કરાઈ હતી. તપાસ દરમ્યાન ગેરકાયદેસર બાંધકામ હોવાનું ધ્યાને આવતા તે દૂર કરવા નોટીસ આપવામાં આવી. હજુ આ મામલે વધુ કાર્યવાહી થઈ રહી છે.
આ મામલે પદ્મનાભ વાડીના પ્રમુખ પ્રમોદભાઈ પ્રજાપતિનું કહેવું છે કે શ્રી પદ્મનાભ ભગવાન મંદિર 600 વર્ષ જૂનું છે. પહેલાના સમયમાં લોકો બોલને વચન માનતા હતા. અને અમારા વડવાઓએ મંદિરની આ જગ્યા પર કોઈ લેખિત દસ્તાવેજ ના કર્યો હોવાથી આ સ્થાન સરકારમાં છે. મંદિરના કેમ્પસમાં અન્ય ગ્રુપ દ્વારા ચામુંડા હોલ બનાવવાની કામગીરી ચાલુ કરાઈ ત્યારે અમે તેમને અટકાવ્યા હતા. કોને પૂછી તેઓ કામ કરે છે તેમ કહી અટકાવ્યા હોવાથી આ જૂથ દ્વારા અમારા વિરુદ્ધમાં અરજી કરવામાં આવી. અને કોર્પોરેટરે મામલતદારને વિશ્વાસમાં લઈ અમને નોટિસ ફટકારી.
આ પણ વાંચો: 12 નહીં 18 વર્ષે ‘બાવો’ જાગ્યો, કચ્છના ભૂતપૂર્વ કલેક્ટરના કૌભાંડની આટલા વર્ષે ખબર પડી
આ પણ વાંચો: સુરતમાં લંપટ સાધુઓ સામે હરિભક્તો મેદાનમાં
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં
