સરકાર ભગવાનભરોસે ચાલે છે તેવો આક્ષેપ કરતી કોંગ્રેસ તો હાલ કોના ભરોસે ચાલે છે તે જ નક્કી કરવું અઘરું
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કોરોનાકાળમાં અને તેમાંય મોદીના રાજમાં પ્રજા ભગવાન ભરોસે છે તેવી વાતો કોંગ્રેસના આગેવાનો દ્વારા અવારનવાર થતી હોય છે. પરંતુ મોદી સરકારની કામગીરી સામે અત્યારે ૫૦ ટકા લોકોને વાંધો છે જ. તેમાંય ઉત્તરપ્રદેશમાં ગંગામાં શબ વહ્યા તેને ધાર્મિક પરંપરા સાથે સુસંગત હોવાનો દાવો સત્તાધારી પક્ષ દ્વારા થયો. ઉત્તરપ્રદેશમાં પંચાયત ચૂંટણીમાં કારમો પરાજય થયો અને હાલના તબક્કે યોગી સરકારની ખૂરશી ભયમં હોવાનો સંકેત ઘણા રાષ્ટ્રીય અખબારોએ આપી દીધો છે. ઘણા એમ પણ કહે છે કે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીપદે ચાલુ રાખીને તેમને કદ પ્રમાણે વેતરવાનો પ્લાન મોવડીઓએ ઘડી કાઢ્યો છે. પણ આ તો ભાજપની વાત છે. કોંગ્રેસની શું સ્થિતિ છે ? જ્યાં ઉત્તરપ્રદેશની સાથે ચૂંટણી યોજાઈ રહી છે અને સ્થાનિક ચંટણીમાં પણ કોંગ્રેસને ૯૦ ટકાથી વધુ બેઠકો સાથે વિજય મળ્યો છે અને દેશભરમાં ભાજપવિરોધી હવા ઉભી કરનાર ખેડૂત આંદોલનના એપી સેન્ટર સમા પંજાબમાં કેપ્ટન અમરીન્દરસિંઘની સરકાર સલામત નથી. કોંગ્રેસના જ એક વગદાર નેતા અને નવજાેતસિંઘ સિધ્ધુ કેપ્ટનની કાર્યશૈલીથી નારાજ છે. તેમણે પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર પણ કર્યો નહોતો તે હકિકત છે. સિધ્ધુ ૨૫ થી વધુ કેપ્ટનવિરોધી કોંગ્રેસી ધારાસભ્યોનો ટેકો ધરાવે છે. કોંગ્રેસના ઈનચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ પંજાબમાં સિધ્ધુ અને કેપ્ટન વચ્ચે મનમેળ કરાવવા ત્રણ સભ્યોની કમિટી રચીને પક્ષની સમસ્યાને લટકાવી દેવાની પોતાની નીતિ જાળવી રાખી છે. તેથી નારાજ કોંગ્રેસી ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે. તેમને જાે વ્યવસ્થિત સાંભળીને તેમના કેપ્ટન સાથેના મતભેદોનું નિરાકરણ નહિ થાય તો પંજાબ કોંગ્રેસમાં ભડકો જ થશે તે નિશ્ચિત વાત છે. સિધ્ધુ આમ આદમી પાર્ટીમાં જવા માટેના સોગઠા ગોઠવે છે. ગત ચૂંટણી પહેલા પણ તેઓ ‘આપ’માં જાેડાવાના હતા. પણ તેના બદલે કોંગ્રેસમાં આવી ગયા. રાહુલ ગાંધી પંજાબમાં ભવ્ય વિજય બાદ નવજાેત સિંઘ સિધ્ધુને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છતા હતા પણ શ્રીમતી સોનિયા ગાંધીએ કેપ્ટન પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના મિત્ર છે તેમ કહીને કેપ્ટનને પંજાબનું સુકાન સોંપ્યું. નવજાેતને પ્રધાન બનાવ્યા પણ પછી અમુક કારણોસર પડતા પણ મૂક્યા. ભલે નવજાેતસિંઘ સિધ્ધુએ પાકિસ્તાનના કરતારપુર સાહેબના સમારોહમાં હાજરી આપી ત્યારે પાકિસ્તાનના લશ્કરી વડા બાજવાને ભેટવાનું તેમનું પગલું દેશની અને કોંગ્રેસની પ્રતિભાને ઝાંખપ લગાડનારું હતું. આ ઘટનાની જે તે વખતે ત્યાંના પ્રચાર માધ્યમોએ ટીકા કરી તેના કારણે પક્ષ ક્ષોભભરી સ્થિતિમાં મૂકાઈ ગયો હતો અને તેના કારણે જ નવજાેતસિંઘ સિધ્ધુ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. જાે કે પંજાબમાં વિધાનસભા ચૂંટણીને એક વર્ષ માંડ બાકી છે ત્યારે સિધ્ધુએ પોતાનો રાજકીય દાવ આગળ વધારવા બંડખોરોરૂપી ગુગલી બોલ કોંગ્રેસ મોવડીમંડળ સમક્ષ ફેંક્યો છે. તેમની આ ચાલ સફળ થશે કે નહિં તે તો સમય જ કહેશે પણ જાે આ જ હાલત ચાલી રહી તો પંજાબ દિલ્હી પછી આમ આદમી પાર્ટીના શાસનવાળા રાજ્યોની યાદીમાં ઉમેરાય જાય તો કોઈને આશ્ચર્ય નહિં થાય.

પંજાબમાં તો કોંગ્રેસનો જનાધાર નોંધપાત્ર પ્રમાણમાં હોવા છતાં કોંગ્રેસની હાલત બગડી છે. ગુજરાતની સ્થાનિક ચૂંટણી પહેલા યોજાયેલી ચૂંટણીમાં પંજાબમાં તો કોંગ્રેસે ભાજપને ત્રીજા સ્થાને ધકેલી અને આમ આદમી પાર્ટીને ચોથા સ્થાને ધકેલી ભવ્ય વિજય મેળવ્યો પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ સાવ તળિયે ગઈ છે. છમાંથી એક પણ મહાનગરપાલિકા મળી નથી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાતું પણ કૂલ્યું નથી. ૩૧ પૈકીની એક પણ જિલ્લા પંચાયત મળી નથી. ૨૩૧ પૈકી માત્ર ૧૭ કે ૧૮ તાલુકા પંચાયતોમાં સત્તા મળી છે તે કેેટલો સમય ટકસે તે નક્કી નથી. જ્યારે નગરપાલિકાઓમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. ૨૦૧૬માં જ્યાં ભાજપની દશા ખરાબ થઈ હતી તે પાટીદાર અનામત આંદોલનના મહત્ત્વના સ્થળ મોરબીમાં કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી.
![]()
આ ચૂંટણી પરિણામો બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિરોદ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપ્યા છે. તેમના રાજીનામાનો આ વખતે સ્વીકાર પણ થયો છે અને યોગ્ય વિકલ્પ મળે ત્યારબાદ હોદ્દા પર ચાલુ રહેવા પણ જણાવાયુ છે. જાે કે ચાર માસ થવા આવ્યા છતાં હજી કોંગ્રેસને યોગ્ય વિકલ્પ મળ્યો નથી. જ્યારે ૨૦૧૭ બાદ પ્રમુખપદે બિરાજતા હોવા છતાં અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસનું માળખું વ્યવસ્થિત ગોઠવી શક્યા નથી. જિલ્લા શહેર અને તાલુકાઓમાં કોંગ્રેસનું સંગઠન કાં તો વેરવિખેર છે અને કાં તો સંગઠનનું અસ્તિત્વ જ નથી તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાે કે ૧૯૮૦ બાદ કોંગ્રેસનું સંગઠન ક્રમશઃ નબળું પડતું ચાલ્યું અને ૧૯૯૫માં ભાજપની સત્તા આવ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસ નબળી જ પડી છે. ૨૦૧૪માં કેન્દ્રમાં કોંગ્રેસ સત્તા ગુમાવી અને ભાજપની સત્તા આવી ત્યારબાદ કોંગ્રેસની હાલત બગડતી જાય છે. કોંગ્રેસમાં આપણને કશું મળવાનું નથી તેમ માની જયેશ રાદડીયા, કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા જેવા અનેક નેતાઓએ ભાજપનો ખેસ પહેરી લીધો છે અને પોતાના વિસ્તારોમાં વર્ચસ્વ ધરાવતા આ નેતાઓને ભાજપે પ્રધાનપદારૂપી શીરપાવ પણ આપી દીધો છે. હજી આ પક્ષપલ્ટાનો ખેલ ચાલું છે. ભાજપમાંથી કોંગ્રેસમાં કોઈ આવતું નથી પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાવાળા હજી પણ લાઈનમાં હોવાનું કહેવાય છે.

અધુરામાં પુરૂ હોય તેમ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનામાં નિધન થયું. આ પહેલા ગુજરાત જ નહિ પણ અનેક વખત રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના સંકટમોચક બનેલા નેતા અહમદ પટેલનું અવસાન થયું હતું. ગુજરાતમાં પ્રદેશ પ્રભારી માટે પાંચ નામ ચર્ચાય છે. જાે કે તે પૈકીના એક સચિન પાયલટે પોતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનવાની ના પાડી દીધી છે. બી કે હરિપ્રસાદ, મુકુલ વાસનીક, અવિનાશ પાંડે સહિત ચાર નામ ચાલે છે. પરંતુ હંમેશા નિર્ણયો લેવામાં ઢીલી પડતી કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી આમાં પણ નિર્ણય લઈ શકી નથી.
જે પક્ષ બે – બે વર્ષ સુધી પોતાનો કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી ન કરી શકે તેની પાસે બીજી શું અપેક્ષા રાખવી ? તે બાબતની ઘણા રાજકીય નેતાઓએ નોંધ લીધી છે અને મોટાભાગના રાજકીય વિશ્લેષકો પણ આજ પ્રકારનું મંતવ્ય વ્યક્ત કરે છે.

એક રાજકીય વિશ્લેષકે તો ત્યાં સુધી કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભગવાન ભરોસે પણ ચાલે છે તો ખરીને !! પરંતુ કોંગ્રેસ કોના ભરોસે ચાલે છે તે જ નક્કી નથી અને લોકોનો વિશ્વાસ તો મોટાભાગના વિસ્તારોમાં ગૂમાવ્યો જ છે હવે તો તે પક્ષમાં પણ વિશ્વાસની કટોકટી ઉભી થઈ છે ત્યાં તે બેઠો થઈ શકે તેવી આશા કેમ રાખવી. જાે કે ઘણા એમ કહે છે કે કોઈ સંકટમોચક પણ કોંગ્રેસને બચાવી શકે તેમ નથી.
