Gandhinagar News: જૂની પેન્શન યોજનાના મુદ્દે સરકાર સરકારી કર્મચારીઓને કોણીએ ગોળ લગાડી રહી હોવાની અનુભૂતિ હવે સરકારી કર્મચારીઓને થઈ રહી છે. સરકારી કર્મચારીઓના આંદોલન પછી સરકારે પીછેહઠ કરતાં ગુજરાતમાં જૂની પેન્શન યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ જાહેરાત ફક્ત જાહેરાત જ રહી છે.
સરકારની જાહેરાતને બે મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકારે આ દિશામાં કોઈ પગલાં લીધા નથી. સરકારે આ અંગે ક્યાંય ચર્ચા કરી હોવાનું કે આ દિશામાં આગળ વધી હોવાના કોઈ સંકેતો પાઠવ્યા નથી. તેની સાથે કોઈપણ પ્રકારનો ઠરાવ કે પરિપત્ર પણ જાહેર કર્યો નથી. તેના પરિણામે સરકારી કર્મચારીઓ અને શિક્ષકોમાં આક્રોશની લાગણી છે.
સરકારે કુનેહપૂર્વક એવું પગલું ભર્યુ છે કે જૂની પેન્શન યોજનાના અમલને લઈને સરકારી કર્મચારીઓમાં પણ વિખવાદ છે. સરકારે 2005 અગાઉના શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી છે. તેની સામે સરકારી કર્મચારી મહામંડળની માંગ છે કે બધા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. આ કારણે જૂની પેન્શન યોજનાના લાભથી વંચિત રહી ગયેલા બીજા સરકારી કર્મચારીઓ સરકારથી નારાજ છે.
સરકારના નિર્ણયનો સૌથી વધુ લાભ ફક્ત શિક્ષકોને જ મળવાનો છે. બીજા કોઈ સરકારી કર્મચારીઓને મળવાનો નથી. તેમા પણ સરકારી જાહેરાતને બે મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં કોઈ પગલાં ન ભરવામાં આવતા સરકારી કર્મચારી મંડળે ફરી એકવાર મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવી પડી છે. સરકારી કર્મચારીઓને એવી અનુભૂતિ થઈ રહી છે કે જાણે સરકાર આ મુદ્દે તેમને ટાળવાનું વલણ અપનાવી રહી છે અને તેની સાથે આ બાબતને બને તેટલી પાછી ઠેલતી જઈ રહી છે.
સરકારી કર્મચારી મહામંડળના અગ્રણીઓનું કહેવું છે કે સરકારે આ નિર્ણયની જાહેરાત કરીને સરકારી કર્મચારીઓમાં રીતસરનું વિભાજન કર્યુ છે. એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવી છે. જાહેરાતમાં સૂરી પણ અમલમાં અધૂરી સરકાર હવે જૂની પેન્શન યોજના બાબતે કોઈ ફોડ જ પાડી રહી નથી. બીજી બાજુએ સરકારની જાહેરાત પછી સરકારી કર્મચારીઓ-શિક્ષકો કાગડોળે જાહેરાતની રાહ જોઈને બેઠા છે. આ ઉપરાંત જે સરકારી કર્મચારીઓને લાભ મળવાનો નથી તે આંદોલનની તૈયારીમાં છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં પૂજા કરી લોકોની સુખાકારી માટે કરી પ્રાર્થના
આ પણ વાંચો: ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે મુખ્યમંત્રી દિવાળીનું પર્વ મનાવશે
આ પણ વાંચો: સીએમ વિક્રમ સંવત 2081ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે