જામનગરના કુખ્યાત ભૂ-માફિયાના ઇશારે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જે બનાવની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે 15 આરોપીની સામે ફરિયાદ નોંધતા તેમાંથી એક આરોપી દ્વારા ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરાઇ હતી જે જામીન અરજી પર સુનવણી હાથ ધરાયા બાદ કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ એક આરોપીના જામીન મંજૂર કર્યા હતા.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી એક સોસાયટીમાં બાંધકામની સાઈટ ચલાવતાં જયસુખ ઉર્ફે ટીના દેવરાજભાઈ પેઢડિયા ગઈ તા. ૨૮-૦૧-૨૦૨૧ના દિને સાઈટ પર હાજર હતા ત્યારે ત્યાં બે બાઈક પર ચાર શખ્સ ધસી આવ્યા હતા. જેમાંથી એક શખ્સે પોતાની પાસે રહેલી પીસ્તોલ જયસુખ પેઢડિયાના કપાળ પર રાખી દીધી હતી. આ વેળાએ ઝપાઝપી થઈ હતી અને બીજા શખ્સે પોતાની પાસે રહેલી પીસ્તોલમાંથી ફાયરીંગ કરતાં જયસુખને હોઠ પાસે ઈજા થઈ હતી.
ઉપરોકત બનાવ પછી શરૃ થયેલા તપાસના ધમધમાટ દરમ્યાન જયસુખ પેઢડિયાએ ફરિયાદ નોંધાવી હતી અને તેણે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સાથે અગાઉ થયેલી માથાકૂટના કારણે જયેશે ભાડૂતી માણસો મોકલી જયસુખની હત્યાનો પ્રયાસ કરાવ્યો હોવાનું જણાવ્યું હતું.
ઉપરોકત ગુન્હાની તપાસમાં પોલીસે મયુર આલભાઈ હાથલિયા, દીપ હીરજીભાઈ હડીયા, સુનિલ કણઝારીયા, ભીમસિંહ ઉર્ફે ખીમાભાઈ ગોવાભાઈ, નાગેશ ઉર્ફે વિરાજ કેશાભાઈ રાઠોડ, જયેશ મૂળજીભાઈ રાણપરિયા સહિત પંદર સામે ગુન્હો નોંધ્યો હતો અને આરોપીઓની ધરપકડ શરૃ કરી હતી. ઝડપાયેલા અને જેલહવાલે કરાયેલા આરોપી વિરાજ કેશાભાઈએ જામીન મુકત થવા અરજી કરતાં અદાલતે તેને રૂપિયા એક લાખના જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે , છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ભૂમાફિયાનો આતંક ખુબજ વધતો જઈ રહ્યો છે. અસામાજિક તત્વો દ્વારા નિર્દોષ અને ભોળી ભાળી પ્રજાને ડરાવીને તેમની મિલકતો બળજબરી પૂર્વક પડાઈ લેવામાં આવી રહી છે. જેની સામે પોલીસ દ્વારા લાલ આંખ કરીને કડક કાર્યવાહી પણ કરાઇ રહી છે જોકે, કેટલીક વાર પુરાવાના અભાવને કારણે તેઓને કોર્ટમાંથી જામીન મળી જતાં હોય છે
