ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહેલી ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પાકિસ્તાનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન A એ ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાને 128 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે પહેલા બોલિંગ અને પછી બેટિંગમાં નિરાશ કર્યા હતા.એશિયા કપ 2023ની ફાઇનલમાં પાકિસ્તાન A એ ભારત A ને 128 રને હરાવ્યું. આ જીત સાથે પાકિસ્તાને ટાઈટલ પર કબજો કર્યો. પ્રથમ બેટિંગ કરતા ટીમે ભારત સામે 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 224 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. અભિષેક સિવાય કોઈ પણ ભારતીય ખેલાડી અડધી સદી ફટકારી શક્યો નહોતો. પાકિસ્તાન તરફથી તૈયબ તાહિરે સદી ફટકારી હતી
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઓપનર સેમ અયુબે 59, શાહિબઝાદા ફરહાને 65, ઓમેર યુસુફે 35 અને તૈયબ તાહિરે 71 બોલમાં 108 રન બનાવ્યા હતા. આ બેટ્સમેનોના આધારે પાકિસ્તાને 352 રનનો આંકડો પાર કર્યો અને ભારતને 353 રનનો ટાર્ગેટ આપ્યો.
353 રનના ટાર્ગેટના જવાબમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી થઈ હતી. 8.3 ઓવરમાં ભારતને પહેલો ફટકો સાંઈ સુદર્શનના રૂપમાં લાગ્યો હતો, આ સમયે ભારતનો સ્કોર 64 રન હતો. આ પછી વિકેટો પડવાની પ્રક્રિયા શરૂ થઈ અને ટીમ ઈન્ડિયા 43 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. અભિષેક શર્માએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. આ જ કારણ હતું કે ભારત 224 રનમાં સમેટાઈ ગયું અને મેચ હારી ગયું.ભારતીય ટીમ માટે સાઈ સુદર્શન અને અભિષેક ઓપનિંગ કરવા આવ્યા હતા. સુદર્શન 28 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે અભિષેકે અડધી સદી ફટકારી હતી. તેણે 51 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. નિકિન જોસ 11 રન બનાવીને આગળ ગયો હતો. કેપ્ટન યશ ધુલે 4 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. નિશાંત સિંધુ 9 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હર્ષિત રાણાએ 13 રનનું યોગદાન આપ્યું હતું. રાજ્યવર્ધન 11 રન બનાવીને આઉટ થયો હતો. માનવ સુથાર 7 રન બનાવીને અણનમ રહ્યો હતો.પાકિસ્તાન તરફથી સુફીયાન મુકીમે 3 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 66 રન આપ્યા હતા. અરશદ ઈકબાલે 7 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. મેહરાન મુમતાઝ અને મોહમ્મદ વસીમ જુનિયરે પણ બે-બે વિકેટ લીધી હતી. મુબાસિર ખાને એક વિકેટ લીધી હતી.
