પેટલાદ-સુણાવ રોડ પર આવેલી મસીહ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય યુવકે બુધવારે રાત્રિના સમયે ડિપ્રેશનમાં દુપટ્ટાનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. તે તેની પાછળ અંત્તિમ ચિઠ્ઠી છોડી ગયો હતો, જેમાં મૃતકની પત્નીએ પાંચ દિવસ અગાઉ ઝેર પીને આપઘાત કર્યો હતો અને યુવકના સાસરિયાં તેમની બે દીકરીને લઈ જતાં ડિપ્રેશનમાં પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. પેટલાદ સુણાવ રોડસ્થિત મસીહ સોસાયટીમાં નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડા રહે છે. તેના લગ્ન વર્ષ 2015માં પ્રિયંકા સાથે થયા હતા. જે પ્રેમલગ્ન હતા.
ગત 10મીના રોજ પ્રિયંકાએ પેટલાદના ધોબીકુળ તળાવ પાસેના સેલ્ફી પોઈન્ટ પાસે ઝેરી દવા ગટગટાવી હતી. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેને કરમસદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, આ બનાવથી પતિ નિશાંત ખૂબ વ્યથિત થઈ ગયો હતો. તેનાં સાસરિયાંએ તેની બે બાળકી ઝેનન (ઉં.વ. 5) અને પ્રિનિસા (ઉં.વ. 1.5)ને લઈ ગયાં હતાં. એક તરફ પત્નીનો વિરહ અને બીજી તરફ પુત્રીઓને પણ સાસરીવાળા લઈ જતાં નિશાંત આઘાતમાં સરી પડ્યો હતો.
બુધવારે પત્નીની પ્રાર્થનાસભા પૂર્ણ થયા બાદ રાત્રે જમી પરવારીને તે તેના ઘરના ઉપરના માળે ગયો હતો. સવારે દસ વાગ્યા સુધી તે નીચે ન આવતાં પરિવારજનોએ તપાસ કરી હતી, જેમાં તેણે દુપટ્ટાનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હોવાનું બહાર આવ્યું હતું. મૃતક પાસેથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. પોલીસે જે કબજે લઈ બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પત્ની પ્રિયંકા ડીસા સ્થિત થરામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં, જ્યારે નિશાંત ચાંગા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર (એમએચડબ્લ્યુ) તરીકે ફરજ બજાવતો હતો. બંને સરકારી નોકરી કરતાં હતાં અને થોડા સમયમાં જ કાયમી થવાનાં હતાં.
મૃતકે અંતિમ ચિઠ્ઠીમાં ફોનમાં વીડિયો છે એવો ઉલ્લેખ કર્યો છે. આ વીડિયો બાબતે રહસ્ય છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તો અનેક રહસ્ય પરથી પરદો ઊંચકાઈ શકે તેમ છે.
