New Delhi News/ વિદેશ યાત્રા ટેક્સના અહેવાલને પીએમ મોદીએ ફગાવ્યો

મીડિયા હાઉસે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે વિદેશ પ્રવાસ પર ટેક્સ (Foreign Travel Tax) લગાડવાની સરકારની ચર્ચા અંગેનો અહેવાલ ખોટો હતો અને તેને પાછો ખેંચવામાં આવે છે

Top Stories India
દેશમાં વિદેશ યાત્રા પર ટેક્સ (Foreign Travel Tax) અથવા સેસ લાગુ થવાની અટકળો વચ્ચે વડા પ્રધાન Narendra Modiએ ખુદ આગળ આવી સ્પષ્ટતા કરી છે

New Delhi News : દેશમાં વિદેશ યાત્રા પર ટેક્સ (Foreign Travel Tax) અથવા સેસ લાગુ થવાની અટકળો વચ્ચે વડા પ્રધાન Narendra Modiએ ખુદ આગળ આવી સ્પષ્ટતા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે વિદેશ યાત્રા પર ટેક્સ લગાડવાના અહેવાલમાં “જરાય સત્ય નથી” અને સરકાર આવા કોઈ પણ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી નથી.

મામલો ત્યારે ગરમાયો જ્યારે CNBC-TV18ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર વિદેશ પ્રવાસ પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાની સંભાવના પર ચર્ચા કરી રહી છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે આ પ્રસ્તાવ સરકારના ઉચ્ચ સ્તરે ચર્ચાઈ રહ્યો છે અને તેનો હેતુ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના આર્થિક પ્રભાવને નિયંત્રિત કરવાનો છે.

આ અહેવાલ સામે પીએમ મોદી (PM Modi)એ કડક પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “આ તદ્દન ખોટું છે. વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધો મૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી. અમારી સરકાર લોકો માટે Ease of Doing Business અને Ease of Living સુધારવા પ્રતિબદ્ધ છે.”

વિદેશ પ્રવાસ પર ટેક્સ (Foreign Travel Tax) લગાડવાની સરકારની ચર્ચા અંગેનો અહેવાલ ખોટો હતો

પીએમ મોદી (PM Modi)ના નિવેદન બાદ CNBC-TV18એ પણ પોતાની ભૂલ સ્વીકારી હતી. મીડિયા હાઉસે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે વિદેશ પ્રવાસ પર ટેક્સ (Foreign Travel Tax) લગાડવાની સરકારની ચર્ચા અંગેનો અહેવાલ ખોટો હતો અને તેને પાછો ખેંચવામાં આવે છે. સાથે જ તેમણે આ ભૂલ બદલ દિલગીર હોવાનું જણાવ્યું.

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જો આ સેસ લાગુ થાય તો તે એક વર્ષ માટે અમલમાં રહેશે અને તેની આવક સીધી કેન્દ્ર સરકાર પાસે જશે. જોકે, હવે સરકાર અને મીડિયા બંને તરફથી સ્પષ્ટતા થયા બાદ આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પીએમ મોદીએ નાગરિકોને બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવા, જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અને પેટ્રોલ-ડીઝલની બચત કરવા અપીલ કરી હતી. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે તેમણે દેશના વિદેશી હૂંડિયામણને બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. તેના પ્રભાવ હેઠળ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.


આ પણ વાંચો : 1,700 કરોડની નોટિસ સામે કોંગ્રેસનો જવાબઃ ટેક્સ ટેરરિઝમ બંધ થવું જોઈએ

આ પણ વાંચો : ટેક્સ ચોરીના આરોપો બાદ સોનુ સૂદનું પહેલું ટ્વીટ, જાણો શું કહ્યું અભિનેતાએ…

આ પણ વાંચો : લો બોલો!! અમેરિકાએ ભારતમાં વધતા કોરોનાનાં કેસને ટાંકી યાત્રા પર પ્રતિબંધની ઘોષણા કરી