મણિપુર વિધાનસભાના અધ્યક્ષ યુમનમ ખેમચંદ સિંહે 13 સિંગજામેઈ વિધાનસભા મતવિસ્તારમાંથી આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. શુક્રવારે આ સંદર્ભમાં માહિતી શેર કરતી વખતે, અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી કરમ શ્યામ સહિત અન્ય ચાર ઉમેદવારોએ પણ ગુરુવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પ્રથમ તબક્કાના મતદાન માટે તેમના નામાંકન દાખલ કર્યા હતા.
કરમ શ્યામે 20-લાંગથાબલ વિધાનસભા મતવિસ્તાર પરથી ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના ઉમેદવાર કોંથૌજમ શરત સિંહે 18-કોન્થૌજમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. અત્યાર સુધીમાં એનપીપીના ત્રણ, ભારતીય જનતા પાર્ટીના બે અને જનતા દળ (યુનાઈટેડ)ના એક સહિત કુલ છ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. મણિપુર વિધાનસભાની કુલ 60 બેઠકો માટે 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં મતદાન યોજાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી છે, જ્યારે 11 ફેબ્રુઆરી સુધી નામાંકન પરત ખેંચી શકાશે.
તાજેતરમાં જ ભાજપે મણિપુર વિધાનસભા ચૂંટણી માટે 60 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ભાજપે 4 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પણ ટિકિટ આપી છે. મુખ્યમંત્રી એન. બિરેન સિંહ હિંગંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. મણિપુરના ઉમેદવારોના નામની જાહેરાત કરતી વખતે ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે મણિપુરમાં અમારી પાર્ટીમાં કોઈ વિવાદ નથી. અમે બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવીશું.
