અમદાવાદ: જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કેબિનેટ મંત્રીની જીત બાદ પાસ નેતા હાર્દિક પટેલે કઈંક આવી પ્રતિક્રિયા આપી છે. પાસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જનતાનો જે આદેશ હોય તે સ્વીકારવો પડે. જો કે હાર્દિક પટેલે ભાજપની સરકાર પર પણ પ્રહારો કર્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે, સત્તાપક્ષે આ જીત મેળવવા માટે સમગ્ર વહીવટી તંત્ર કામે લગાવી દીધું હતું, તેમ છતા માત્ર 20 હજારની લીડથી જીતવું ઘણું અયોગ્ય કહેવાય.
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) દ્વારા હાલ રાજ્યભરમાં ખેડૂત વેદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેડૂત વેદના યાત્રા હાલ અમરેલી ખાતે પહોંચી છે. આ યાત્રાનું પાસ નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિત તમામ પાસ કન્વીનરો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.
જસદણ પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે ત્યારે અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી પદયાત્રા કરનાર હાર્દિક પટેલે અમરેલીના બગસરા ખાતે જસદણ પેટા ચૂંટણીના પરિણામ અંગે જણાવ્યું હતું કે, જનતાનો જે આદેશ હોય તે સ્વીકારવો પડે. સત્તા પક્ષે IPS, IAS, મંત્રીમંડળ સહિત આખું વહીવટી તંત્ર કામે લગાડી દીધું હતું, આમ છતાં 20 હજાર મતથી જીત થતા હું આ જીતને બહુ મોટી માનતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ચૂંટણી લડ્યા હતા, જયારે તેમની સામે કોંગ્રેસ તરફથી સામાન્ય નાગરિક એવા છકડો ચાલક અવસર નાકિયાને ટિકિટ આપવામાં આવી હતી.
