નોકરી/ એસિડ એટેક સરવાઈવરને સરકારી નોકરીમાં અગ્રીમતા મળશે

એસિડ હુમલાનો ભોગ બનેલા અને રક્તપિત્તમાંથી સાજા થયેલા દર્દીઓ માટે સારા સમાચાર એ છે કે હવે તેમને સરકારી નોકરીમાં અગ્રીમતા આપવામાં આવશે.

Mantavya Exclusive
– અધિક મુખ્ય સચિવ સુનયના તોમરનો આદેશ
– વિકલાંગ તજજ્ઞ સમિતિની બેઠકમાં કર્યો આદેશ
સોનલ અનડકટ, ગાંધીનગર

એસિડ હુમલાનો ભોગ બનેલા અને રક્તપિત્તમાંથી સાજા થયેલા દર્દીઓ માટે સારા સમાચાર એ છે કે હવે તેમને સરકારી નોકરીમાં અગ્રીમતા આપવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતાના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર તરફથી અગ્રીમતાનો આદેશ કરવામાં આવ્યો છે.

વિકલાંગોને સરકારી નોકરીમા તક મળે તે માટે વર્ષ 2016માં The Rights of Persons with Disabilities Act અસ્તિત્વમાં આવ્યો. આ એકટમાં 21 પ્રકારની વિકલાંગતાનો ઉલ્લેખ કરાયો છે જેમાં એસિડ હુમલાનો ભોગ બનેલા સરવાઈવર અને લેપ્રસી એટલે કે રક્તપિત્તથી સાજા થયેલા દર્દીઓનો પણ વિકલાંગની કેટેગરીમાં સમાવેશ કરાયો છે.

જોકે અત્યાર સુધી સરકારી નોકરીમાં આ બંને પ્રકારના વિકલાંગોને પ્રાધાન્ય કદાચ અપાતું ન હતું પરંતુ હવે આ બંને કેટેગરીના વિકલાંગોને પણ સરકારી નોકરીમાં અગ્રિમતા આપવા અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે આદેશ કર્યો છે. ગાંધીનગરમાં ગુરુવારે વિકલાંગતા તજજ્ઞ કમિટીની બેઠક મળી હતી જેમાં ગૃહ વિભાગ, પંચાયત વિભાગ અને શહેરી વિકાસ વિભાગે તેમના વિભાગમાં વિકલાંગોની જગ્યા ભરવા માટેની દરખાસ્ત કમિટી સમક્ષ મૂકી હતી. સુનયના તોમરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એસિડ એટેક સર્વાઇવર તેમજ રક્તપિત્તમાંથી સાજા થયેલા દર્દીઓને નોકરીમાં ખાસ અગ્રીમતા આપવા પર સુનયના તોમરે ભાર મૂક્યો હતો. આદેશના પગલે આગામી દિવસોમાં હવે સંબંધિત સરકારી વિભાગો જ્યારે ભરતીની જાહેરાત બહાર પાડે ત્યારે તે જાહેરાતમાં તેમણે એસિડ એટેક સરવાઈવર અને રક્તપિત્તથી સાજા થયેલા દર્દીઓને નોકરીમાં અગ્રિમતાનો ઉલ્લેખ કરવો પડશે. જેના પગલે હવે આગામી દિવસોમાં નગરપાલિકા, કોર્પોરેશન અને જાહેર સાહસો જેવા સરકારી એકમોમાં એસિડ એટેક સરવાઈવર તેમજ રક્તપિત્તથી સાજા થયેલા દર્દીઓ નોકરી કરતા જોવા મળશે.

ડિસએબીલીટી કમિશનર વિભાગ આ પ્રકારના વિકલાંગોની સંખ્યાનો રેકોર્ડ રાખે છે. આ મુદ્દે સમસ્યા એ છે કે આ વિભાગ સમક્ષ એસિડ એટેકના એકપણ સરવાઈવર નોંધાયેલા જ નથી. રક્તપિત્ત માંથી સાજા થયેલા 25 જેટલા દર્દી આ વિભાગ પાસે નોંધાયેલા છે. આવા સંજોગોમાં હવે આગામી દિવસોમાં જ્યારે સંબંધિત સરકારી વિભાગો તેમની ભરતીની જાહેરાત પ્રકાશિત કરે અને તેના આધારે જો કોઈ એસિડ એટેક સરવાઈવર અરજી કરે તો જ સરકારને પણ આ પ્રકારના હુમલાનો ભોગ બનેલા અંગે માહિતી મળી શકશે.