ભારતમાં ડિસ્કો મ્યુઝિકના ધબકારાથી લોકોને પરિચય આપનાર પ્રખ્યાત ગાયક અને સંગીત નિર્દેશક બપ્પી લહેરીનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. ત્યારથી સંગીતપ્રેમીઓ અને ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. લોકો બપ્પી લહેરીને તેમના સંગીત અને અવાજ માટે પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તેઓ મહાન ગાયક કિશોર કુમાર માટે ખૂબ જ ખાસ હતા. બંને વચ્ચે ગાઢ સંબંધ પણ હતો.
હા! મ્યુઝિક કમ્પોઝર બપ્પી લહેરી સંબંધમાં કિશોર કુમારના ભાણેજ હતા, બંને વચ્ચે ઘણો પ્રેમ હતો અને આ લોહીના સંબંધ કરતાં પણ વધુ, બંને વચ્ચેનો સંબંધ શિક્ષક-શિષ્યનો સંબંધ હતો. ગુરુ-શિષ્ય, ક્યારેક દોસ્ત-યાર તો ક્યારેક મામા-ભાણેજની આ જોડીએ બોલિવૂડને ઘણા યાદગાર ગીતો આપ્યા છે. બપ્પીને બોલિવૂડમાં એન્ટ્રી આપનાર બીજું કોઈ નહીં પણ કિશોર કુમાર હતા.
બપ્પી લહેરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં 20 વર્ષની ઉંમરે કોમેડી ફિલ્મ ‘બઢતી કા નામ દાઢી’માં કામ કર્યું હતું. હું નિર્માતા નિર્દેશક કિશોર કુમારનો ભાણેજ હતો. એ ફિલ્મમાં મેં એક નાનકડો રોલ કર્યો હતો. તો કિશોર કુમારે કહ્યું કે મને લાગે છે કે તમે ફિલ્મમાં કામ કરી શકો છો, તો મેં કહ્યું કે હું બરાબર હિન્દી બોલી શકતો નથી, હું ક્યાંથી કામ કરીશ.’ આ પછી બપ્પીએ અભિનય ન કર્યો પરંતુ બોલિવૂડને યાદગાર ગીતો આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.
એક સમય એવો હતો જ્યારે બોલિવૂડમાં ‘ડિસ્કો ડાન્સર’ પછી માત્ર અને માત્ર બપ્પી લહેરીનો સિક્કો ચાલતો હતો. પરંતુ આ સફળતાની ઈર્ષ્યા કરનારાઓએ બોલિવૂડમાં બપ્પી લહેરીનો બહિષ્કાર શરૂ કર્યો. જે પછી તેમના કમ્પોઝ કરેલા તમામ ગીતો ગાવાનું બંધ કરી દીધું. આ ખરાબ તબક્કામાં માત્ર અને માત્ર કિશોર કુમારે જ તેમના ગીતો ગાયાઅને સપોર્ટ કર્યો હતો
બપ્પી લહેરીનું આજે એટલે કે બુધવાર 16 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 69 વર્ષના હતા. બપ્પી લાહિરી 1970-80ના દાયકાની શરૂઆતની કેટલીક ફિલ્મો જેમ કે ‘ચલતે ચલતે’, ‘ડિસ્કો ડાન્સર’ અને ‘શરાબી’માં લોકપ્રિય ગીતો આપવા માટે જાણીતા છે. તેનું છેલ્લું બોલિવૂડ ગીત ‘બાંકુસ’ 2020ની ફિલ્મ ‘બાગી 3’ માટે હતું.
