Not Set/ મારા વતનપ્રેમની વાત

પોતાના વતનપ્રેમની વાત મારા સ્કૂલ ફ્રેન્ડ, બરોડીયન મલય બધેકાએ કહી, જે અત્રે મઠારીને, સુધારીને, પ્રેરણાના ઝરણા ગણી, આપની વાચાને પ્રસ્તુત કરવાની તક મળી છે.

Trending
નિલેશ

મનપાંચમનો મેળો” કોલમ દ્વારા મારા, તમારા, સૌના દિલના અનુભવોની અભિવ્યક્તિની કોશિષ રહી છે – જે અંતર્ગત પોતાના વતનપ્રેમની વાત મારા સ્કૂલ ફ્રેન્ડ, બરોડીયન મલય બધેકાએ કહી, જે અત્રે મઠારીને, સુધારીને, પ્રેરણાના ઝરણા ગણી, આપની વાચાને પ્રસ્તુત કરવાની તક મળી છે.

મારા પ્રિય ભાવનગર,

આશા રાખું છું કે તું મજામાં હોઈશ. મમ્મીને ‘તું’ કહું છું એટલે તને પણ ‘તું’ જ કહીશ. તારા ખોળામાં ઉછરેલા એવા મેં તારા જ ખભા ઉપર બેસીને બાળપણ જોયેલું છે. મોટો થયો એટલે તારાથી દૂર અહિયાં માસી (“અમદાવાદ”ને હું મારી માસી કહું છું) પાસે આવ્યો છું.

માસી ચોક્કસ ‘માં’ જેવો પ્રેમ કરી શકે પણ ‘માં’ તો માં જ રહેશે.

તારા ઉપર રોજ કરાતી અસંખ્ય ‘ગંદકીઓ’ને જોઈ ને હું એટલું તો શીખી ગયો છું કે લોકો તો ગંદકી કરશે જ છતાંઆપણે કાયમ બગીચા જેવા જ રહેવાનું.

તે તારા હૈયામાં કેટલા બધા બગીચા સમાવેલા છે. આટલી બધી કોમળતાનો, ભાવનગર, તને ભાર નથી લાગતો ?

ભાવનગર, તે મને ફક્ત સદભાવ જ નહિં, પ્રેમભાવ + સમભાવ પણ શીખવ્યો છે. તે બધા ભાવ શીખવેલા છે – બસ પ્રતિભાવ આપવાનું શીખવ્યું નથી અથવા અમે શીખ્યા નથી.

અમદાવાદમાં બધું જ મળે છે પણ ભાવસભર, ભાવનગર, તારો ભાવ અહિયાં ક્યાંથી લાવું.

ભાવનગર, તારા ફક્ત ‘ભાવ’ના જ નહીં – ‘સ્વભાવ’ના પણ ભૂખ્યા છીએ.

લોકો તારા વિષે બેફામ બોલે છે. તને કેટલાય તો તિરસ્કારની નજરથી જુએ છે. તોય તું ચુપ છે ? તારું રૂવાડું ય ફરકતું નથી ? લાગે છે : એક સોડાના બે ભાગ કરીને તું ‘તિરસ્કાર’ને પણ પચાવી જાય છે. તારી આજ વાત તો સૌને ગમે છે. તને ક્યારેય ‘metro’ થવાનો શોખ જાગ્યો જ નથી. તને ક્યારેય આગળ વધવાની ઈચ્છા થઈ જ નથી. તે ફક્ત તારા બાળકોને આગળ કર્યા છે.

ભાવનગર, તે ક્યારેય મોટી મોટી વાતો કરી નથી. તે ફક્ત તારા કુટુંબ ને સાચવ્યું છે. સાલી, કોઈની સાથે હરીફાઈ કરવાની દાનત તારામાં આવી જ નહીં. કોઈને પછાડીને પ્રગતિ કરવાની ખંધી હરકત તે કરી જ નથી. તે ફક્ત તખ્તેશ્વરમાં બેસીને ભક્તિ કરી છે કલાની, સંસ્કારની, માન-સ્વમાન-સ્વાભિમાનની, પરોપકારની અને ઈશ્વરની. તારા હૈયામાં વસતા, તારી કુખે જન્મેલા, આટલા બધા કવિઓ, લેખકો, કલાકારો સાથે વિવિધ ક્ષેત્રે નામના પામેલા નિષ્ણાંતો તારા સદા ઋણી રહેશે.

જે બાળક પોતાની ‘માં’ને પ્રેમ ન કરી શકે, પોતાના વતનને પ્રેમ ન કરી શકે એ દુનિયાને તો શું પ્રેમિકાને પણ પ્રેમ ન કરી શકે. એવું તો તે મને સ્કૂલમાં જ સમજાવેલું.

તે બનાવેલા દરેક ‘CIRCLE’ને ફરીફરીને હવે એટલું તો સમજી ગયો છું કે દુનિયા પણ ગોળ છે. અને દુનિયામાં ગમે ત્યાં જાવ, એ ‘CIRCLE’ ફરી ને અંતે માદરે વતને જ પાછું આવવાનું છે. ધરતીનો પ્યારુ ભાવનગર.

ગાય ને પણ ‘માતા’ કહેતા (જેઓ ‘માં’ પ્રથા માં માને છે તેઓ) તો પછી એક ‘માં’ની અંદર રહેલી આટલી બધી ‘માતાઓ’ આ બહારના લોકોને કેમ ખૂંચે છે ? ક્યાંક તારા માતૃત્વની ઈર્ષા તો નથી ને, એમને !?

હજુ સુધી તે અમને ‘ઈર્ષા’ શીખવી નથી એટલે જાજી એના વિષે ખબર નથી.

એક વાત કાનમાં કહું. તારામાં છે એના કરતાં વધારે ‘ગાંડા’ દિલ્હી – મુંબઈ અને બીજા ગામો/શહેરોમાં જોયા છે. કેટલાક તો લોકસભા–વિધાનસભા સુધી પહોચ્યા છે. તો પછી તારા આ માનસિક/વિકલાંગ બાળકો આ બહારના લોકોને કેમ ખૂંચે છે ?’

ભાવનગર, તારા ખોળામાં માથું મૂકીને ફરી એક વાર સુઈ જવું છે – તારું સંગીત સાંભળતા સાંભળતા. તે હંમેશા ભાઈચારો શીખવ્યો છે, નહીં કે ભાગીદારી. પ્રસંગો તેમજ દિવાળી તો એક બહાનું છે તને મળવાનું.

ભાવનગર, પહેલાની જેમ ખાધાપીધા વગર મારી રાહ ન જોઈશ. તું સુઈ જજે. આપણે બીજે દિવસે સવારે મળીશું. મને ખબર છે, તોય તું મારી રાહ જોઈશ કારણકે તું એક ‘માં’ છે ! રાહ જોઈશને મારી ?

સદભાવનગર =  ભાવનગરમાંથી તો નીકળ્યો પણ મારામાંથી ભાવનગર નીકળતું નથી એનું શું ?

વતનપ્રેમ has no frame !