@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
મમતા દીદીને ચૂંટણીમાં હરાવવા અને ઠાકરેને વાઝે પ્રકરણમાં સંડોવી તેમજ કેજરીવાલને કામ ન કરવા દઈ ઉથલાવવાનો વ્યૂહ સફળ થશે ખરો ?
કાશ્મીરથી કન્યાકુમારી સુધી પોતાનુ જ રાજ હોવું જોઈએ તેવું ભાજપ અને તેના નેતાઓનું સપનું છે.અત્યારે જોઈએ તો દસથી વધુ રાજ્યોમાં ભાજપનું સીધુ શાસન છે જ્યારે અન્ય કેટલાક રાજ્યોમાં તેના સાથી પક્ષની ભાગીદારી એટલે કે એન ડી એનું રાજ છે. આંધ્ર,તમિલનાડુ, તેલંગણા અને ઓરિસ્સામાં ભાજપના કહ્યામાં રહે તેવા મુખ્યમંત્રીઓ છે. બંગાળના મમતા બેનરજી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કેન્દ્ર સરકાર સામે મેદાને પડી ભાજપના વિજયરથને રોકી રાખે તેવી તાકાત અત્યાર સુધી બતાવી છે. પોતાની લોકપ્રિયતા પણ અવારનવાર સાબિત કરી છે આથી ભાજપના નેતાઓને અકળામણ થાય તે સ્વભાવિક છે. આથીજ આ ત્રણેય હસ્તીઓને દૂર કરવામાટે વ્યૂહ તૈયાર કરી દીધો છે

મુંબઈમાં ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે કાર મળી આવ્યા બાદ આ પ્રશ્નને ચગાવાયો એન.આઇ.બીને તપાસ સોંપાઈ તેમજ સચિન વાઝેની ધરપકડ અને માટે જવાબદાર વડા તરીકે મનાતા મુંબઈના પોલીસ કમિશનર પરમવીરસિંહની ઠાકરે સરકાર દ્વારા બદલી કરાઈ. આનાથી ઉશ્કેરાયેલા પરમવીરે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે સચિન વાઝેને એકસો કરોડની ખંડણી આપવાનો આક્ષેપ કરી જે લેટર બૉમ્બ ફોડાયો અને તે અંગે ભાજપના મુંબઇ મહારાષ્ટ્રથી શરૂ કરી કેન્દ્રીય પ્રધાનો રવિ શંકર પ્રસાદ તેમજ પ્રકાશ જાવડેકર સુધીના નેતાઓએ જે નિવેદનો કર્યા તેમજ લોકસભામાં આ પ્રશ્ન ઉઠાવી ઉદ્ધવ ઠાકરે સરકારનું રાજીનામું માંગવા સુધીની ઘટનાઓ મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી સર્જી તેનો લાભ લેવાની વ્યૂહ રચના છે તેવું વિશ્લેષકો કહે છે. ભાજપનું લંક્ષાંક માત્ર દેશમુખ નહિ પણ ઠાકરે છે તે હવે નિષ્ણાતો ખુલ્લેઆમ કહેતા થઈ ગયા છે.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ બે વખત ભાજપને ધોબી પછડાટ આપી કામકરતી સરકારના વડા હોવાનું પુરવાર કરી ચુક્યા છે. તેમના પક્ષે પંજાબમાં પગપેસારો અગાઉ કરી દીધા બાદ હવે સ્થાનિક ચૂંટણીમાં નોંધપાત્ર હાજરી પુરાવી શાસક પક્ષને મૂંઝવણમાં મૂકે તેવો દેખાવ કર્યો છે. ચૂંટણીઓમાં કેજરીવાલને હરાવવા મુશ્કેલ છે તેવું લાગતા દિલ્હી સરકારની લગભગ તમામ સત્તા ઉપરાજ્યપાલને સોંપતો ખરડો પસાર કરાવ્યો છે. તો બીજી બાજુ દિલ્હીની ડોર ટુ ડોર એટલેકે ઘેર ઘેર અનાજ પહોંચાડવાની યોજના અટકાવી છે. જો કે આ બધી બાબતોને જનતાની અદાલતમાં લઈ જવા કેજરીવાલે પણ વળતો વ્યૂહ તૈયાર કરી દીધો છે. આમ દિલ્હીમાં કેજરીવાલને ઘેરવા ભાજપે છોડેલું શસ્ત્ર કેવું સફળ થાય છે તે તો સમય જ કહેશે.

જ્યારે પશ્ચિમ બંગાળમાં સતત બે ચૂંટણી અને મોટાભાગની પેટા ચૂંટણી જીતનાર મમતા બેનર્જીના પક્ષ ટી એમ સી ને ચૂંટણીમાં હરાવવા ભાજપે તમામ તાકાત કામે લગાડી છે એ પક્ષના ઘણા આગેવાનોને ભાજપમાં જોડી ટિકિટો અપાઈ છે મમતા બેનરજી અને તેમનપક્ષના નેતાઓ સામે હિંસાખોરીનો અને ભ્રષ્ટાચાર સહિતના આરોપો લગાવાઈ રહ્યા છે. ભાજપના નેતાઓ ભલે મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય પણ દેશના એક માત્ર મહિલા મુખ્યમંત્રીને હરાવવા કે તેમની સત્તા છીનવી લેવા કેન્દ્રીય પ્રધાનોની ફોજ ઉતરી પડી છે તે મહિલાઓ પ્રત્યેના ભાજપના નેતાઓનાં બેવડા વલણનો પુરાવો છે તેમ કોઈ વિશ્લેષકો કહે તો તે જરાય ખોટું નથી.
ટૂંકમાં કહીએ તો ભાજપ અને કેન્દ્રે પોતાનું ચક્રવર્તી રાજ સ્થાપવા માટે નિયમોને અને સાથોસાથ નૈતિક મૂલ્યોને નેવે મૂકી દીધા છે તેમ કોઈ કહે તો જરાય ખોટું નથી જો કે આ દાવ કેવો અને કેટલો સફળ થશે તે તો સમય જ કહેશે.
