તમારા રોજિંદા જીવનને લગતા નિયમો નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2021 ની શરૂઆતથી બદલાવાના છે. આપને જણાવી દઇએ કે, ચેકની ચુકવણી સંબંધિત નિયમો 1 જાન્યુઆરીથી બદલાવા જઇ રહ્યા છે. આ અંતર્ગત રૂ.50,000 થી વધુ પેમેન્ટ ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ (સકારાત્મક પેમેન્ટ સિસ્ટમ) લાગુ થશે.

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ દેશમાં ઝડપથી વધી રહેલા બેન્કિંગ ફ્રોડને રોકવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ સિવાય 1 જાન્યુઆરીથી સિલિન્ડરનાં ભાવ બદલાશે. જો કે, ડિસેમ્બરમાં એલપીજીનાં ભાવમાં 2 ગણો વધારો થયો છે, હવે એ જોવું રહ્યું કે નવા વર્ષમાં ઓઇલ કંપનીઓ સિલિન્ડરની કિંમતમાં વધારો કરે છે કે કેમ?
પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે
પોઝિટિવ પે સિસ્ટમ એ એક સ્વચાલિત સાધન છે જે ચેક મારફતે છેતરપિંડી પર લગામ લગાવશે. આ અંતર્ગત, જે વ્યક્તિ ચેક જારી કરશે તેને ઇલેક્ટ્રોનિક રીતે ચેકની તારીખ, લાભકર્તાનું નામ, પ્રાપ્તકર્તાનું નામ અને ચુકવણીની રકમ અંગે ફરીથી જાણ કરવાની રહેશે. ચેક જારી કરનાર વ્યક્તિ આ માહિતી ઇલેક્ટ્રોનિક માધ્યમ જેવા કે એસએમએસ, મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા પ્રદાન કરી શકે છે. આ પછી, ચેક પેમેન્ટ કરતા પહેલા આ વિગતો ક્રોસ ચેક કરવામાં આવશે. જો ચેકમાં કોઈ અનિયમિતતા જોવા મળે છે, તો ચુકવણી કરવામાં આવશે નહીં અને બેંક શાખાને તેના વિશે જાણ કરવામાં આવશે. બેંક 50 હજાર રૂપિયા અને તેથી વધુની ચુકવણીનાં કિસ્સામાં ખાતાધારકો માટે નવા નિયમ લાગુ કરશે.

સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર
ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરનાં ભાવ નક્કી કરે છે. એટલે કે 1 જાન્યુઆરીથી સિલિન્ડરનાં ભાવમાં ફેરફાર કરવામાં આવશે. જો કે, 1 ડિસેમ્બરે ઓઇલ કંપનીઓએ કિંમતોમાં વધારો કરવાને બદલે 3 ડિસેમ્બરે કિંમતોમાં વધારો કર્યો હતો. ડિસેમ્બરમાં અત્યાર સુધી એલપીજીનાં ભાવમાં બે વાર વધારો થયો છે. કંપનીઓએ આ મહિને સિલિન્ડરનાં ભાવમાં કુલ 100 નો વધારો કર્યો છે. હવે એ જોવું રહ્યું કે, ઓઇલ કંપનીઓ નવા વર્ષમાં સિલિન્ડરની કિંમતમાં વધારો કરે છે કે કેમ.
ટર્મ પ્લાન પોલિસી ઓછા પ્રીમિયમ પર ઉપલબ્ધ થશે
નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી, તમે ઓછા પ્રીમિયમ માટે એક સરળ જીવન વીમા પોલિસી ખરીદી શકશો. ભારતીય વીમા નિયમનકાર આઇઆરડીએ એ આરોગ્ય સંજીવની નામની એક પ્રમાણભૂત નિયમિત આરોગ્ય વીમા યોજના રજૂ કર્યા પછી એક સ્ટાન્ડર્ડ ટર્મ જીવન વીમા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ જ સૂચનાઓને પગલે, વીમા કંપનીઓ 1 જાન્યુઆરીથી સરળ જીવન વીમા પોલિસી લોન્ચ કરવા જઇ રહ્યા છે. નવી વીમા યોજનામાં, ઓછા પ્રીમિયમમાં ટર્મ પ્લાન ખરીદવાનો વિકલ્પ મળશે. ઉપરાંત, તમામ વીમા કંપનીઓની નીતિમાં શરતો અને કવરની રકમ એક સમાન હશે.

જીએસટી રીટર્ન સબમિટ કરવાની રીત બદલાશે
સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમ હેઠળ નાના કરદાતાઓ માટે ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવા અને માસિક ટેક્સ (ક્યુઆરએમપી) ભરવાની યોજના શરૂ કરી છે. જે કરદાતાઓનું વાર્ષિક ટર્નઓવર પાછલા નાણાકીય વર્ષમાં રૂ.5 કરોડ સુધીનું છે અને જેમણે ઓક્ટોબરનો જી.એસ.ટી.આર-3B (વેચાણ) રિટર્ન 30 નવેમ્બર, 2020 સુધી સબમિટ કર્યું છે તેઓ આ યોજના માટે પાત્ર છે. 5 ઓક્ટોબરે મળેલી બેઠકમાં જીએસટી કાઉન્સિલે કહ્યું હતું કે, રૂ.5 કરોડ સુધીનાં ટર્નઓવરવાળા રજિસ્ટર્ડ લોકોને 1 જાન્યુઆરી, 2021 થી ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવાની અને માસિક ધોરણે વેરો ભરવાની મંજૂરી મળી શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
