ભાજપ માટે કપરા ચઢાણ ? / કોળી સમાજની ચીમકી, -જો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા તો ….

સૌરાષ્ટ્ર વિધાનસભાની અંદાજે ૨૮થી ૩૦ જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે. સામાજિક સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવે તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની ચૂંટણી ઉપર પડી શકે છે.

Reporter Name: વિરેન મહેતા, ગાંધીનગર

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવા મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિજય ભાઈની સાથે સાથે મંત્રીમંડળના તમામ મંત્રીઓના પણ રાજીનામા પડ્યાં છે. જેને લઇ હાલમાં મંત્રીમંડળનું ગઠનની કામગીરી ચાલી રહી છે. જોકે નવા મંત્રીમંડળમાં ‘નો રિપીટ’ થિયરી લાગુ કરવાને લઈ નેતાઓ અને નેતાઓના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેને લઇ આજે નવા મંત્રીમંડળની શપથવિધી કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

‘નો રિપીટ’ થિયરી ને લઇ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ અને નેતાઓના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2017 વિધાનસભાની ચૂંટણી બાદ ઘણા બધા નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે. ત્યારે હાલમાં નવા મંત્રીમંડળના ગઠનમાં ‘નો-રિપીટ’ થિયરીને લઇ કુંવરજી બાવળીયા અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજની મોટી વસતી છે. અને કોળી સમાજ દ્વારા નવા મંત્રીમંડળમાં કુંવરજીભાઈ બાવળિયાને મહત્વનું સ્થાન આપવા માટે માંગણી કરાઈ છે તો સાથે અખિલ ગુજરાત કોળી સમાજના ગુજરાતના અધ્યક્ષ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  કુંવરજીભાઈ બાવળિયાને નવા મંત્રીમંડળમાં મહત્ત્વનું સ્થાન આપવા માટે પત્ર પણ લખી નાખ્યો છે.

અત્રે નોંધનીય છે કે કુંવરજીભાઈ બાવળીયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. દેશના 18 રાજ્યોમાં કોળી સમાજની વસ્તી છે.  અને ગુજરાતમાં ૨૮ ટકા થી વધુ કોળી સમાજની વસ્તી છે. વધુમાં તેમણે પત્રમાં લખ્યું છે કે કુંવરજીભાઇને મંત્રીમંડળમાંથી પડતા મુકાશે તો તે કોળી સમાજનું અપમાન ગણાશે. કુંવરજીભાઈ બાવળિયા ના સમર્થનમાં કોળી સમાજે એક બેઠક પણ બોલાવી છે. અખિલ ભારતીય કોળી સમાજ ના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ બેઠક યોજાઈ રહી છે. અને જેમાં ૫૦ થી વધુ યુવાનો બેઠકમાં હાજર રહ્યા છે. આ બેઠકમાં કુંવરજી બાવળિયાને જો મંત્રી તરીકે યથાવત રાખવામાં નહીં આવે તો ભાજપને ભારે પડવાની ચીમકી પણ પ્રમુખે ઉચ્ચારી છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજ ભાજપથી વિમુખ રહેશે તેવું કોડી બોર્ડિંગના પ્રમુખે નિવેદન પણ આપ્યું છે. અને જો જરૂર પડે તો કુંવરજી બાવળિયાના સમર્થનમાં ગુજરાતમાં મોટું સંમેલન બોલાવવામાં આવી શકે છે. ‘નો રીપીટ’ થિયરીને લઇ કોળી સમાજના આગેવાનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે વર્ષ 2018 માં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના કહેવાથી કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પાર્ટી સાથે કુવરજી બાવળીયા જોડાયા હતા. અને તેઓને કેબિનેટ મંત્રી તરીકે ગુજરાત સરકારમાં સ્થાન આપવામાં આવ્યું હતું. કુંવરજીજી ભાઈની સાથે વર્ષ 2018 માં જિલ્લા-તાલુકાના અનેક આગેવાનો હર્ષભેર  ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ હાલ ગુજરાત સરકારના મંત્રી મંડળમાંથી જો કુંવરજી બાવળિયાને પડતા મૂકવામાં આવે તો તે સમાજને અપમાન કરવામાં આવતું હોવાનો મેસેજ સમાજમાં જશે અને જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં જેની ગંભીર અસરો પડી શકે છે.

સૌરાષ્ટ્ર વિધાનસભાની અંદાજે ૨૮થી ૩૦ જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે. સામાજિક સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવે તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની ચૂંટણી ઉપર પડી શકે છે. જેમાં ખાસ કરીને ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટની બેઠક ઉપર અસર પડી શકે છે. અને ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. બહુમતી ધરાવતા દરેક સમાજના સક્ષમ નેતા આગેવાનને સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે સમાજ અપેક્ષા રાખે છે. તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ગુજરાત સરકારની ‘નો રિપીટ’ થિયરીના  ભાજપના નિર્ણયથી સમાજમાં નારાજગી ઊભી થઈ છે.

વધુમાં કોળી સમાજના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલા દ્વારા આ પત્રની કોપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ને પણ મોકલવામાં આવી છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment