રશિયા અને યુક્રેનના યુદ્વના કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા હતા પરતું હવે સારા સમાચાર આવી રહ્યા છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાના પ્રયાસોને કારણે બ્રેટ ક્રૂડ વાયદો ઘટીને $109 પ્રતિ બેરલ થઈ ગયો છે. તે જ સમયે, યુએસમાં ક્રૂડ ઓઇલના ભાવ 8.75 ટકા ઘટ્યા છે અને તે બેરલ દીઠ $ 100 થી નીચે ઘટીને $ 99.76 પ્રતિ બેરલ થઈ ગયા છે. દેખીતી રીતે, ભારત માટે રાહતના સમાચાર છે, જે તેના કાચા તેલના 80 ટકા વપરાશ માટે આયાત પર નિર્ભર છે.
ક્રૂડ ઓઈલના ભાવ કેમ ઘટ્યા?
રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીત અને યુદ્ધવિરામની આશાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. તે જ સમયે, એવો વિશ્વાસ પણ વધ્યો છે કે રશિયન તેલનો કોઈ વિકલ્પ નથી. જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે તો પણ યુરોપ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ નહીં કરી શકે. જો યુદ્ધ ચાલુ રહેશે તો પણ રશિયા તરફથી પુરવઠો અવરોધાશે નહીં, તેથી કાચા તેલના ભાવ પણ નરમ પડ્યા છે. તમને જણાવી દઈએ કે યુરોપ તેના 40 ટકા ક્રૂડ ઓઈલ અને ગેસ માટે રશિયા પર નિર્ભર છે.
ચીનમાં લોકડાઉન
ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપી છે. ચીનમાં કોરોનાના કેસ 2 વર્ષમાં સૌથી વધુ છે. ચીનના શાંઘાઈ અને શેનઝેનમાં 24 મિલિયન લોકો લોકડાઉનથી પ્રભાવિત થયા છે. લોકડાઉનને કારણે કાચા તેલની માંગમાં ઘટાડો થશે. આ જ કારણ છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે.
કિંમત વધીને $140 થઈ ગઈ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમત 140 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. અમેરિકાએ રશિયામાંથી આયાત પર પ્રતિબંધ મૂક્યો અને યુરોપે પણ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું હોવાના સમાચારને કારણે કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો અને તે 14 વર્ષની ટોચે પહોંચી ગયો હતો.
