સોમવારે જમ્મુમાં એક દુકાનમાં ભીષણ આગ લાગવાથી એક બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 14 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે કારણ કે બચાવ કામગીરી હજુ ચાલુ છે. જમ્મુના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કોહલીએ જણાવ્યું કે સાંજે રેસિડેન્સી રોડ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જંક શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓએ આખી ઈમારતને લપેટમાં લીધી અને અંદર રાખેલા કેટલાક એલપીજી સિલિન્ડરો ફાટ્યા.
તેમણે કહ્યું કે આ ઘટનામાં એક બાળક સહિત ત્રણ લોકો દાઝી ગયા હતા અને અન્ય 14 લોકોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. બિલ્ડિંગના મોટાભાગના રહેવાસીઓ આસામના કામદારો હતા.
ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમને લગભગ સાંજે 6.10 વાગ્યે આગની માહિતી મળી હતી અને ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહ પણ આગ અને બચાવ કામગીરીની દેખરેખ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
બિલ્ડિંગના રહેવાસી અનવર હુસૈને જણાવ્યું હતું કે, “બિલ્ડીંગમાં એક ડઝનથી વધુ પરિવારો રહે છે. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી, ઘણા રહેવાસીઓ તરત જ બચી શક્યા ન હતા.” અન્ય એક રહેવાસી યાસ્મિના ખાતુને જણાવ્યું હતું કે આગમાં બિલ્ડિંગના રહેવાસીઓનું બધું જ બળીને રાખ થઈ ગયું હતું.
