@કામેશ.ચોકસી- મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ
ચૂંટણી પહેલાં લહેરાયો ભાજપનો ભગવો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ થઇ ચુકયો છે.81 પાલિકા,31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાં આગામી 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે જેને લઇને ફોર્મ પાછા ખેંચાયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે.ભાજપે ચૂંટણી લડયા પહેલા જ જિલ્લા અને તાલુકા પંચાયતની 219 બેઠક પર ભવ્ય જીત મેળવી છે.ચૂંટણી પહેલા જ કોંગ્રેસનાં 165થી વધુ ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે.હાલમાં જ 16મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનાં છેલ્લા દિવસે કેટલાક ઉમેદવારોને મેન્ડેટમાં ગડબડ થવાને લીધે ફોર્મ ભરી શકયા નહોતા તો બીજી બાજુ ભાજપને બિનહરીફ બેઠકો મળવાનો સિલસિલો આગળ વધ્યો હતો.
ફોર્મ પાછા ખેંચ્યા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભાજપની ઓલટાઇમ હિટ થવાની રણનીતિ સામે આવી હતી.જિલ્લા,તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ ભાજપનાં 219 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા.ભાજપે ચૂંટણી લડયા વગર જ 219 બેઠકો જીતી હતી.ગઇકાલે સાંજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો.ફોર્મ પરત ખેંચાયા બાદ જિલ્લા-તા.પંચાયતનું ચિત્ર સ્પષ્ટ હતું જેમાં જિલ્લા પંચાયતની 24 બેઠકો,તાલુકા પંચાયતની 110 બેઠકો અને નગરપાલિકાની 85 બેઠકો પર ભાજપનાં ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં જીત થઇ હતી.
કડી-ઉના ન.પામાં પણ ભાજપની જીત

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનાં હોમટાઉન ગણાતા કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો.ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે 36 બેઠકો પૈકી 26 બેઠક પર ભાજપનાં ઉમેદવાર બિનહરીફ થતાં જીત થઇ હતી.5 વોર્ડની 20 બેઠકો પર ભાજપનાં ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભાજપનો વિજય નિશ્ચિત થયો હતો.અન્ય 6 વોર્ડની બેઠકો પર પણ ભાજપ બિનહરીફ જાહેર થતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતીથી ભવ્ય જીત મેળવી હતી.મહત્વપૂર્ણ છે કે છેલ્લાં 30 કરતાં વધુ વર્ષોથી કડી ન.પામાં જનસંઘ અને ભાજપનો દબદબો જોવા મળ્યો હતો તો બીજી બાજુ ઉના નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો હોવાના સંકેત મળ્યા હતા.ઉના ન.પામાં 36 બેઠકોમાં ભાજપનાં 21 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં કોંગ્રેસનાં ગઢમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી.
