અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ક્વાડ દેશોની બેઠકથી ચીનની ચિંતાઓ વધી ગઇ છે, આ બેઠકથી તેનું સરકારી ભોંપૂ ગ્લોબલ ટાઇમ્સ અકળાઇ ગયું છે. ગ્લોબલ ટાઇમ્સના એડિટર હૂ શિજિને ટ્વીટ કરીને કહ્યું કે ક્વૉડનું તંત્ર ભારતને ચીનની જમીન પર એક ઇંચ પણ કબજો કરવામાં મદદ નહીં કરે. તેમણે વધુમાં આ સંગઠનને અમેરિકાના હિતો સાધવા માટે આને એક નિમ્ન સ્તરનું જોડાણ ગણાવ્યું.
ગ્લોબલ ટાઇમ્સના એડિટરે લખ્યું કે ક્વોડનું તંત્ર ભારતને એક ઇંચ ચાઇનીઝ જમીન પર કબજો કરવામાં મદદ નહીં કરે, એટલું જ નહીં જાપાનના નૌકાદળને દિઆઓયૂ ટાપુની પાસે જળસીમામાં જતા રોકવામાં કોઇ મદદ કરશે. આ સંગઠન માત્ર મનોવૈજ્ઞાનિક રાહત જરુર આપી શકે છે.

કોઇ થર્ડ પાર્ટીને નિશાન ન બનાવો: ચીન
શુક્રવારે ક્વૉડની બેઠક શરુ થઇ તેના કેટલાક કલાકો પહેલા ચીને એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આ સંગઠનના સભ્ય દેશો વચ્ચે આદાન-પ્રદાન અને સહયોગ પરસ્પરની સમજ પર આધારિત હોવો જોઇએ ન કે કોઇ ત્રીજા પક્ષને નિશાન બનાવવાનો કે તેના હિતોને નુકસાન પહોંચાડવાનો હોવો જોઇએ. સ્વાભાવિક છે કે ચીનનો ઇશારો પોતાની તરફ હતો.
