- બે ઇસમોની 215 બોગસ માર્કશીટો, 19000 હોલમાર્ક, 24 નકલી નોટો, પ્રિન્ટર્સ, વિગેરે મળી રૂ.અડધા લાખ થી વધુના મુદ્દામાલ સાથે બે ની અટકાયત કરી..
નકલી ભારતીય ચલણી નોટો બનાવવાના તેમજ મોટા પ્રમાણમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા ITI તેમજ વીર નર્મદ યુનિવર્સીટીની નકલી માર્કશીટો બનાવવાના કૌંભાડનો પર્દાફાશ કરી પોલીસે બોગસ માર્કશીટો, હોલમાર્ક, નકલી નોટો, પ્રિન્ટર્સ, વિગેરે મળી રૂ.અડધા લાખ થી વધુના મુદ્દામાલ સાથે બે ની અટકાયત કરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શનના આધારે એસ.ઓ.જી પી.આઈ. કે.ડી.મંડોરાનાએ પોતાની ટીમને કાર્યરત કરતા પી.એસ.આઈ. એમ.આર.શકોરીયા, પી.એમ.વાળા તેમજ એન.જે.ટાપરીયા સ્ટાફ સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે જુના નેશનલ હાઇવે પર આવેલ એસ એફ .૬૯ , ઓમકાર – ર , કોમ્પલેક્ષ,લોર્ડસ પ્લાઝા હોટલની બાજુમાં આરતી કન્સલ્ટન્સીના નામથી સચીનભાઈ પ્રેમાભાઈ ખારવા તથા તેનો મિત્ર રાહુલકુમાર નરેન્દ્રભાઈ પરમારનાઓ પોતાની ઓફિસમાં જોબ પ્લેસમેન્ટના ઓથા હેઠળ બજારમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ન હોય તેવા ઉમેદવારોને ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ તથા યુનિવર્સીટી તથા AOCP કોર્ષના બનાવટી સર્ટીફિકેટો બનાવી આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી તેના બદલામાં મોટી રકમ મેળવે છે .
જે આધારે એસ.ઓ.જીની ટીમ દ્વારા ઓમકાર -૨ કોમ્પલેક્ષમાં બાતમીવાળી દુકાન તથા પોતાના રહેણાંક મકાનમાં રેડ કરતબ આરોપીઓએ એક બીજાના મેળાપીપણામાં પોતાના આર્થિક ફાયદા માટે નાપાસ થયેલ વિદ્યાર્થીઓના પાસ થયાના નકલી સર્ટીફિકેટસ ગેરકાયદેસર રીતે બનાવી આપી તેમજ રૂપીયા ૫૦ તથા ૧૦૦ ના દરની ભારતીય બનાવટની અલગ અલગ સીરીઝ નંબરની નકલી ચલણી નોટો બનાવી તેનો ખરા તરીકે બજારમાં ઉપયોગ કરવાના હેતુ માટે રાખેલ હોવાનું જણાઈ આવ્યું હતું.
ધોરણ ૧૦-૧૨, યુનિવર્સીટી તથા આઇ.ટી.આઇ ની અલગ અલગ નકલી માર્કશીટ પ્રમાણપત્રો નંગ-૨૧૫, યુનિવર્સીટી તથા આઇ.ટીઆઇ ની અલગ અલગ ઓરીજનલ માર્કશીટ પ્રમાણપત્રો નંગ -૧૨૬ માર્કશીટ ઉપર લગાવવાના હોલસ્ટીકર નંગ -૧૯,૭૯૬ તેમજ ભારતીય બનાવટની ચલણી નોટો ૫૦ ના દરની -૦૪ અને ૧૦૦ ના દરની -૨૪ નોટ , A4 સાઈઝ પેપર પર પ્રિન્ટ કરેલ બનાવટી ચલણી નોટોના ૨૦ પેજ, કલર પ્રિન્ટર તથા કોમ્પ્યુટર સીસ્ટમ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ .૫૦,૨૫૦ / – ના મુદ્દામાલ સાથે સચીનભાઈ પ્રેમાભાઈ ખારવા રહે -૨૮૮ , રામનગર સોસાયટી હાંસોટ તેમજ રાહુલકુમાર નરેન્દ્રભાઈ પરમાર રહે – એ / ૨૯ , હરીઓમ નગર રેસીડેન્સી અંદાડા તા.અંકલેશ્વરની અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકે બન્ને વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે..
પોલીસની પ્રાથમિક તપાસ માં આરોપીઓ શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપરથી ધોરણ – ૧૦-૧૨ તેમજ કૉલેજ તથા આ.ટી.આઇ ના માર્કશીટ તેમજ લોગોનો નમુનો મેળવી તેમાં જે વિષયોમાં વિદ્યાર્થી નાપાસ હોય તે વિષયમાં માર્ક્સ સુધારો કરી પાસ થયાના નકલી સર્ટીફિકેટસ ગેરકાયદેસર રીતે બનાવવા તેમજ પોતાના અંગત ઉપયોગ માટે ભારતીય બનાવટની નકલી ચલણી નોટો પ્રિન્ટ કરતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ કૌભાંડ માં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેમજ અત્યાર સુધી માં આ બોગસ માર્કશીટ અને પ્રમાણપત્રો ના ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવ્યા છે.તેની વધુ ચોંકાવનારી વિગતો પોલીસ તપાસ માં બહાર આવે તેમ લાગી રહ્યું છે.
