Not Set/ નાપાક ચેષ્ટા સામે ભારતીય રાજપુરૂષો મૌન કેમ ?

જૂનાગઢ માણાવદરને પાકિસ્તાનના નકશામાં દર્શાવવા પાકિસ્તાની ચેનલોને ત્યાંની સરકારના આદેશ અંગે સામાન્ય બાબતમાં હોબાળો મચાવતા શાસક વિપક્ષના નેતાઓ કેમ કશું બોલતા નથી ?

India

પાકિસ્તાન પોતાની અવળનીતિ અવળચંડાઈ ક્યારેય પણ ભૂલતું નથી. સામાન્ય મોકો મળે ત્યારે પોતાનો ખેલ કરતું રહે છે. પાકિસ્તાની ગેરકાયદેસર કબ્જા હેઠળના કાશ્મીર અંગે અવારનવાર લવારા કરતું રહે છે. બકવાસ કરતું રહે છે. હવે છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનને અને ત્યાં વસનારા કેટલાક ભારત વિરોધી તત્વોએ જૂનાગઢ અને માણાવદર બાબતનો મુદ્દો ઉભો કરતાં રહે છે. લોકવિરોધ સામે ભાગીને પાકિસ્તાન ગયેલા નવાબના વંશજાે અવારનવાર બકવાસ અને લવારા કરીને જૂનાગઢ પાકિસ્તાનનું છે તેવા લવારા કરતા રહે છે. થોડા સમય પહેલા પાકિસ્તાનના સત્તાવાર વર્તૂળો દ્વારા પણ જે નકશો પ્રસિદ્ધ કરવામાં આવેલો તેમાં પણ જૂનાગઢ અને માણાવદર વિસ્તારને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવાની ચેષ્ઠા કરેલી. જૂનાગઢના પૂર્વ નવાબના વંશજાે પૈકીનો એક શખ્સ પોતાની જાતને જૂનાગઢના વડાપ્રધાન તરીકે ચીતરતા – પ્રસ્તુત કરતાં નિવેદનો કરે છે. આ અંગે ભારતના સત્તાવાર વર્તુળો એટલે કે વિદેશ મંત્રાલયે એકા’દ વાર વિરોધ કરવા સિવાય બીજું કશું નક્કર કામ કર્યું નથી.


જ્યારે હવે પાકિસ્તાન બે ડગલાં આગળ વધ્યું છે. બે દિવસ પહેલા પાકિસ્તાનના મિડિયા રેગ્યુલેટર દ્વારા ફતવો બહાર પાડીને ત્યાંની ખાનગી અને સરકારી ચેનલોને એવી સૂચના આપવામાં આવે છે કે રાત્રે ૯ વાગ્યે સમાચાર પ્રસ્તુત થાય છે ેત શરૂ થતા પહેલા જૂનાગઢ અને માણાવદર વિસ્તારને પાકિસ્તાનમાં દર્શાવવું અને તેને બે મિનિટ સુધી ફ્લેશ કરવું.

આનો હેતું સ્પષ્ટ છે આઝાદી વખતે તત્કાલીન નવાબે જુનાગઢને પાકિસ્તાન સાથે ભેળવી દેવાની વાત કરતાં તે સામે વિરોધ થયો. તેની સામે નાગરિકોએ બળવો કર્યો અને ૯મી નવેમ્બર ૧૯૪૭ના રોજ નવાબને અને તેના દિવાનને ઉભી પૂંછડીએ કેશોદ વિમાની મથકેથી ભાગવું પડ્યું. જૂનાગઢમાં લેવાયેલા લોકમતમાં પણ ૯૯ ટકા લોકોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. જૂનાગઢના નવાબને ભાગવા મજબૂર કરવામાં દેશના લોખંડી પુરૂષ અને તે વખતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા હતી. ૯મીએ નવાબ ભાગ્યા બાદ સરદાર પટેલ બિમાર હોવા છતાં જૂનાગઢ આવ્યા હતાં અને બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સભાને સંબોધીને પાકિસ્તાનના બદઈરાદાને નિષ્ફળ બનાવવા બદલ પ્રજાને અભિનંદન આપ્યા હતાં. જૂનાગઢ અને માણાવદર ભારતના અવિભાજ્ય અંગ છે હતા અને રહેશે તેવી સ્પષ્ટ વાત હોવા છતાં ૭૫ વર્ષ પછી પણ પાકિસ્તાન પોતાની હીન ચેષ્ટા ભૂલતું નથી અને પોતાને યોગ્ય લાગે તે રીતે ઉંબાડીયા કરવાનો ધંધો ચાલુ રાખે છે.


જૂનાગઢ અને માણાવદરનું કાયમી સ્થાન ભારત-હિંદુસ્તાનના નકશામાં છે. આ બન્ને સ્થળોના લોકોનો આત્મા ભારતીય છે. ગરવો ગીરનાર જુનાગઢની રક્ષા કરે છે. ભારતીય લોકો માટે જૂનાગઢ એક તીર્થસ્થાન સમું છે ત્યારે પાકિસ્તાન પોતાની પ્રજાનું ધ્યાન પાયાના પ્રશ્નોથી ભ્રમિત કરવા માટે આવા ખેલ કરે રાખે છે. પાકિસ્તાનના નકશા વિશે ત્યાંની ખાનગી અને સરકારી ચેનલોને અપાયેલી સૂચના બાબતમાં નિર્ણયને પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રીએ પણ બચાવ કર્યો છે. આ શખ્સ કહે છે કે જમ્મુ-કાશ્મીર, જુનાગઢ અને માણાવદર પર ભારતે ગેરકાયદે કબજાે કર્યો છે તે વિશ્વને સમજાવવા માટે આ આદેશ આપ્યો છે.

File:Gujarat Junagadh district.png - Wikimedia Commons
આ અંગે ભારતના સરંક્ષણ નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાનનું આ કૃત્ય ચોરી પર શીરજાેરી જેવું છે. પાકિસ્તાન કાશ્મીરના એક ભાગ પર કબ્જાે જમાવીને બેઠું છે અને આ પીઓકેમાંથી ભારત વિરોધી પ્રવૃત્તિ ચલાવે છે તે વાત જગજાહેર છે. કાશ્મીરની સાથે હવે જૂનાગઢ માટે પાકિસ્તાનના સત્તાધીશોએ જે લવારા શરૂ કર્યા છે અથવા તો ભારતના અવિભાજ્ય અંગ જેવા જૂનાગઢ, માણાવદરને પોતાના નકશામાં દર્શાવી તેનો પ્રચાર કરવાની જે ચેષ્ઠા કરી છે તે ૧૩૪ કરોડ ભારતીય નાગરિકો વખોડે છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાકિસ્તાની ટીવી ચેનલોએ પોતાની સરકારના આ કહેવાતા આદેશનું પાલન કરી જૂનાગઢ પંથકને પાકિસ્તાન સાથે હોવાનું દર્શાવતો નકશો દેખાડવાનું શરૂ કર્યું છે. હવે ભારત સરકારે આ અંગે જાગવાની જરૂરત છે. પાકિસ્તાની શાસકોની આ ચેષ્ટા માફ ન કરી શકાય તેવી છે. પરંતુ બે ત્રણ દિવસથી આ ચેષ્ટા થતી હોવાના અહેવાલો અખબારી પાના પર પ્રસિદ્ધ થયા પછી પણ ભારતના રાજકીય પક્ષો આ મહત્ત્વના મૂદ્દા અંગે પોતાના મોઢા પર અલીગઢી તાળા મારીને બેસી ગયા છે. કોઈ કશું બોલતું નથી.
પાકિસ્તાને અને ત્યાંના કેટલાક તત્વોએ સાતથી વધુ વખત આવી વાતો કરી છે ત્યારે આપણા વિદેશ મંત્રાલયે એકવાર માત્ર વિરોધ જ નોંધાવ્યો છે. અન્ય બાબતોમાં દેકારો કરતાં કોંગ્રેસ સહિતના વિપક્ષો પણ આ પ્રશ્ને ચૂપ છે. જ્યારે સલમાન ખુરશીદના પુસ્તકમાં આવેલી વાતો અંગે હોબાળો મચાવનારા અને રાષ્ટ્રવાદ અને ધર્મ એ પોતાનો જ ઈજારો છે તેવી વાતો કરનારા શાસક પક્ષ ભાજપા નેતાઓ પણ આ પ્રશ્ને કેમ કશું બોલતા નથી ? દેશના ૧૩૪ કરોડ લોકો કહે છે કે જૂનાગઢ, માણાવદર એ ભારતનું અવિભાજ્ય અંગ છે ત્યારે પાકિસ્તાની શાસકો સામે આ પ્રશ્ને કડક પગલાં લેવાની તો ઠીક પણ કડક ભાષામાં વિરોધ કરવાની ચેષ્ટા પણ આ નેતાઓ કરતાં નથી ! શું ભારતના કહેવાતા રાજપુરૂષોને આ મુદ્દો ગંભીર લાગતો નથી ?

જેતપુર / પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો