India Asia Cup 2022: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને સાતમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને 8 વિકેટથી મેચ જીતી લીધી. ફાઇનલ મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેના કારણે જ ભારતીય ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી.
સ્મૃતિ મંધાનાએ ફાઇનલમાં તોફાની બેટિંગ કરી હતી. તેણે મેદાનની ચારે બાજુ સ્ટ્રોક લગાવ્યા. તેની બેટિંગ જોઈને વિરોધી ટીમનો પરસેવો છુટવા લાગ્યો હતો. તેણે 25 બોલમાં 51 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 3 લાંબી સિક્સ સામેલ હતી. આ સાથે જ કેપ્ટન હરમનપ્રીત કૌરે 11 રનનું યોગદાન આપ્યું હતું. બંને ખેલાડીઓ અંત સુધી અણનમ રહ્યા અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. જેમિમાહ રોડ્રિગ્ઝે 2 અને શેફાલી વર્માએ 5 રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમે શનિવારે અહીં એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાની ઇનિંગ્સને 20 ઓવરમાં 9 વિકેટે 65 રન પર રોકી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 66 રનનો ટાર્ગેટ ખૂબ જ સરળતાથી મેળવી લીધો હતો.
શ્રીલંકાએ શનિવારે ભારત સામે મહિલા એશિયા કપની ફાઇનલમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતીય બોલરોની સામે એકદમ ખોટો સાબિત થયો હતો. ભારત તરફથી રેણુકા સિંહે ત્રણ જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની તરફથી કોઈપણ મહિલા ખેલાડી શાનદાર પ્રદર્શન કરી શકી ન હતી.
ભારતીય ટીમમાં એક ફેરફાર
ફાઈનલ મેચ માટે શ્રીલંકાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે ભારતીય ટીમમાં રાધા યાદવની જગ્યાએ દયાલન હેમલતાની વાપસી થઈ છે.
બે ટીમો નીચે મુજબ છે
શ્રીલંકા – ચમારી અટાપટ્ટુ, હર્ષિતા સમરવિક્રમા, હસિની પરેરા, અનુષ્કા સંજીવની, નિલાક્ષી ડી’સિલ્વા, કવિશા દિલહારી, મલ્શા સ્નેહાની, ઓશાદી રણસિંઘે, સુગંધા કુમારી, ઈનોકા રણવીરા, અચિની કુલસૂર્યા
ભારત: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, સ્નેહ રાણા, રેણુકા ઠાકુર, દયાલન હેમલતા, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ
આ પણ વાંચો: biden/ પરમાણુ શસ્ત્રો ધરાવતું પાકિસ્તાન વિશ્વ માટે ભયજનકઃ બાઇડેન
આ પણ વાંચો: ગુજરાત પ્રવાસ/ PM નરેન્દ્ર મોદીના બોડેલી સંભવીત કાર્યક્રમને લઈ વહિવટી તંત્રમાં દોડધામ
