રાંચીના રિમ્સમાં સારવાર લઈ રહેલ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની તબિયત ખુબ જ ગંભીર બની છે. તબિયત લથડતા તેમને વધુ સારી સારવાર માટે રાંચીથી દિલ્હી એમ્સ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ, મીસા ભારતી લાલુ યાદવને મળ્યા હતા. લાલુના પુત્ર તેજસ્વીના કહેવા પ્રમાણે લાલુ યાદવના ફેફસાંમાં પાણી જામી ગયું છે અને તેમનો ચહેરો સોજાઈ ગયો છે.
આપને જણાવી દઈએ કે, તેમની તબિયત લથડતા હોવાની માહિતી મળ્યા બાદ, તેમના પરિવારના સભ્યો અને આરજેડી કાર્યકરોએ શુક્રવારે લાલુ યાદવના પૂર્વજોના ગામ ગોપાલગંજના ફુલવારીયામાં હવન, પૂજા-અર્ચના કરી હતી. ફુલવારીયાના પંચમંદિરામાં પૂજારી દયાશંકર પાંડે અને હિરામણ દેખરેખ હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે તેઓની તબિયત સુધરે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે સમર્થકોએ હવન પણ કર્યો હતો.

પૂજા અર્ચનામાં સામેલ અન્ય આરજેડીના સેંકડો કાર્યકરો લાલુના ભત્રીજા નીતીશકુમાર યાદવ, પૌત્ર લવકુશ યાદવ ઉપરાંત અભિષેક કુમાર અભય, પરમહંસ યાદવ, વિનીત યાદવ, રાહુલ કુમાર, નીતેશ પાંડે સહિતના જોડાયા હતા.
લાલુના ભત્રીજા નીતીશ યાદવે કહ્યું કે અમને માતા દુર્ગા પર પૂરો વિશ્વાસ છે કે માતાના આશીર્વાદથી તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તેમણે કહ્યું કે અમે તમામ મંદિરોમાં ભગવાન હનુમાન, ભગવાન શ્રી રામ, શંકરની સાથે દેવી દુર્ગાની પૂજા કર્યા પછી હવન કર્યા. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે માતાના આશીર્વાદથી, તે રિમ્સમાંથી સ્વસ્થ પાછા આવશે.
નોંધનીય છે કે ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદને સ્વાસ્થ્યના કારણોસર રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે તેની તબિયત વધુ બગડી હતી, ત્યારબાદ ડોકટરો સતત તેનું નિરીક્ષણ કરી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
