ICC Womens Cricket World Cup 2025: આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાયા છે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયો છે. ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ભારતીય ટીમે પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરી હતી, જેમાં પ્રથમ મેચમાં શ્રીલંકાને DLS પદ્ધતિ હેઠળ 59 રનથી હરાવ્યું હતું. બીજી તરફ, પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે સાત વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. સ્મૃતિ 23 રન બનાવીને પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાની બોલિંગમાં આઉટ થઈ હતી. બીજી ઓપનર પ્રતિકા રાવલે પણ સેટ થયા પછી પોતાની વિકેટ ગુમાવી દીધી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર પણ 19 રન કરીને આઉટ થઈ, આમ ભારતે એક સમયે રીતસરનો ધબડકો કર્યો હતો.
ત્રણ વિકેટ પડ્યા પછી, હરલીન દેઓલ અને જેમીમા રોડ્રિગ્સે ભારતીય ઇનિંગ્સને સ્થિર કરી. જેમિમા અને હરલીને ચોથી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી. હરલીને 65 બોલમાં 46 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ જેમિમાએ 37 બોલમાં 32 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે.
જેમિમા રોડ્રિગ્સે આઉટ થયા પછી, દીપ્તિ શર્મા અને સ્નેહ રાણાએ છઠ્ઠી વિકેટ માટે 47 રનની ઉપયોગી ભાગીદારી ઉમેરી અને ભારતનો સ્કોર 200 ને પાર પહોંચાડ્યો. દીપ્તિએ 25 રનનું યોગદાન આપ્યું, જ્યારે સ્નેહાએ 20 રનનું યોગદાન આપ્યું.
અંતિમ ઓવરોમાં રિચા ઘોષે 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને તોફાની બેટિંગ કરતાં અણનમ 35 રન કરતા ભારતને સન્માનજનક સ્કોર પર પહોંચાડ્યું હતું. પાક. તરફથી ડાયેના બૈગે દસ ઓવરમાં 69 રન આપી સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે સાદિયા ઇકબાલ અને ફાતિમા સનાએ બે-બે વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: latest sports news/ભારત એશિયા કપ ફાઇનલમાં દમદાર પ્રવેશ, બાંગ્લાદેશને 41 રને હરાવ્યું, નવ બેટ્સમેનોએ બે આંકડામાં રન બનાવ્યા………
આ પણ વાંચો:સમીર વાનખેડે ફરી ચર્ચામાં, શાહરૂખ અને ગૌરી ખાન સામે કેસ દાખલ કર્યો!
