26/11 નાં મુંબઈ હુમલામાં પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સરકારે જારી કરેલી સૂચિમાં આવા એક ડઝનથી વધુ આતંકીઓનાં નામ છે, જેનો સીધો સંબંધ મુંબઈ હુમલા સાથે છે. આ સૂચિ પાકિસ્તાનની ફેડરલ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનની ધરતી પર 19 આતંકીઓનાં નામ આપવામાં આવ્યા છે.
આ યાદીમાં મોહમ્મદ ઉસ્માન, મોહમ્મદ અમજદ ખાન, અબ્દુલ રહેમાન અને બીજા ઘણા આતંકીઓ જેવા લશ્કર-એ-તૈયબાનાં આતંકીઓનાં નામ જાહેર કરાયા છે. પાકિસ્તાનની ફેડરલ એજન્સી દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે મુંબઇ હુમલાનું પ્લાનિંગ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે, મુંબઇ હુમલામાં આતંકવાદીઓ માટે લાઇફ જેકેટ, મોટરબોટ અને અન્ય વસ્તુઓની વ્યવસ્થા કરનારા આતંકીઓનાં નામ પણ આ યાદીમાં શામેલ થયા છે.
આપને જણાવી દઈએ કે, 26 નવેમ્બર 2008 નાં રોજ કેટલાક પાકિસ્તાની આતંકીઓ કરાચીથી મુંબઇ દરિયા થઈને આવ્યા હતા. આ સમય દરમિયાન, તેઓ તાજ હોટલ, મુંબઇ રેલ્વે સ્ટેશન જેવા સ્થળોએ એકે 47 લઇને પહોંચ્યા હતા અને અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં વિદેશી નાગરિકો સહિત 160 થી વધુ લોકો માર્યા ગયા હતા. ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર, પાકિસ્તાનને આ માટે વારંવાર દોષી ઠેરવવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાન, તેની ટેવથી લાચાર બનીને આ વાતનો ઇનકાર કરતુ રહ્યુ હતુ. પરંતુ હવે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓની લિસ્ટ જાહેર થઇ છે તેનાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે મુંબઈ હુમલાનું કનેક્શન સંપૂર્ણપણે પાકિસ્તાનનું હતું.
