જરૂર પડે ત્યાં કોંગ્રેસને સાથે લઈ મહારાષ્ટ્ર મોડલ દેશભરમાં ઉભુ કરવાની મહારાષ્ટ્રના ચાણ્કયની યોજના : પશ્ચિમ બંગાળમાં મમતા અને અન્ય પક્ષોનો સાથ મળશે તો ત્યાંથી જ શરૂઆત કરવાની યોજના
દેશભરમાં વિસ્તરી રહેલા ખેડૂત આંદોલનને તમામ પક્ષોનો ટેકો છે. કોરોના નવું સ્વરૂપ બ્રિટનમાં હાહાકાર મચાવે છે, તો ભારતમાં તેનું જુનું સ્વરૂપ પણ સાવ ગયું નથી. ભલે પહેલાના પ્રમાણમાં કેસ ઘટ્યા છે, પણ કોરોના સાવ ગયો નથી. આ સંજોગો વચ્ચે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી અંગે તૈયારી શરૂ થઈ છે. ભાજપના એક પછી એક નેતાઓની ફોજ બંગાળની મુલાકાત લઈ રહી છે. અને તૃણમુલ કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે. આ સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના નેતા મમતા દીદી ગૃહમંત્રી અમીત શાહના આક્ષેપોનો જવાબ તો આપે જ છે અને કેટલાક પ્રશ્નો અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને સામને જેવી સ્થિતિ છે.

સાપ્રાંત સંજોગો વચ્ચે મમતા બેનરજીને દેશના પીઢ રાજકીય નેતા અને મહારાષ્ટ્રના જે રીતે ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારબાદ ચાણક્ય તરીકે ઉભરી આવેલા કેન્દ્રના પૂર્વ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે કેટલીક સલાહ આપી છે અને અમિત શાહ અને ભાજપ સાથે કઈ રીતે કામ લેવું તેની વાત કરી છે અને તેની મૂળ વાત વિપક્ષી એકતાની છે. પશ્ચિમ બંગાળમાં બે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને ડાબેરી મોરચાની તાકાત સાવક્ષીણ થઈ નથી. ઓવૈસી પણ મમતા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે, ત્યારે આ વિપક્ષી ફાટફુટનો ભાજપ લાભ ન ઉઠાવી જાય તે માટે શરદ પવારે કેટલીક ટીપ્સ આપી છે.

ટુંકમાં શરદ પવારે વિપક્ષી એકતાનું બીડુ ઝડપ્યું છે. મહારાષ્ટ્રમાં ૧ વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં ભાજપ ભલે સીંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો. શીવસેના તેનો સાથીદાર પક્ષ હતો ભલે સેનાની ભૂમિકા નાનાભાઈ તરીકેની હતી. પણ આ વખતે સેનાએ મુખ્યમંત્રી પદ માગ્યું ભાજપે વાત ન માની તેના કારણે લાંબા સમય સુધી મહારાષ્ટ્ર સરકાર વિહોણું રહ્યું અને આખરે ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ અપાવવા શરદ પવારે શિવસેના, એન.સી.પી. અને કોંગ્રેસનું મહારાષ્ટ્ર અઘાડી બનાવ્યું અને ઉધ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા અને કોરોના મહામારીના સામના વચ્ચે તેમના શાસનકાળનો એક વર્ષ પૂર્ણ થયો.
ઉધ્ધ ઠાકરે મુખ્યમંત્રી પદની ગાદી પર બેઠા તે પહેલા ભાજપે અજીત પવારને સાથે લઈ દેવેન્દ્ર ફડનવીસે શપથ પણ લેવડાવી દીઘા હતા. જો કે, રાજ્યપાલની મહેરબાનીનું આ પરિણામ હતું અને ફડનવીસે જવું પડ્યું અને ઉધ્ધવ ઠાકરે ગાદી પર બેઠા. ૨૦૧૯ના ચૂંટણી પ્રચાર વખતે પણ ૮૦ વર્ષના શરદ પવાર સક્રિય રહ્યા. લોકસભા અને વિધાનસભાએ બન્ને પ્રકારની ચૂંટણીમાં ઠેર ઠેર ફરી પ્રચાર કર્યો. વિધાનસભાની ચૂંટણીમાં તો ૧૦૦ રેલીઓ કરી અને પોતાના પક્ષ એન.સી.પી.ને ૫૪ બેઠકો અપાવી, જે અગાઉની ચૂંટણી કરતા વધારે હતી. કોંગ્રેસના નાનાભાઈની ભૂમિકા ભજવનાર એન.સી.પી. મોટાભાઈની ભૂમિકામાં આવી ગયું. અને એ તો આ બન્ને ભાઈઓએ શિવસેનાને મોટાભાઈ બનાવી સત્તા સોંપી. આ શરદ પવારની મુત્સદીગીરીનું પરિણામ હતું.

શરદ પવાર માને છે કે શિવસેના સાથે કોંગ્રેસ અને એન.સી.પી. જો બેસી શકતી હોય તો પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ અને કોંગ્રેસ શા માટે ન બેસી શકે ? જાન્યુઆરીમાં મમતા સાથે સંયુક્ત રેલીનું પણ આયોજન કર્યું છે. જો કે શરદ પવારની સલાહ મમતા માને છે કે, નહિ તે પછીનો વિષય છે. પરંતુ શરદ પવારે અત્યાર સુધીમાં એક યા બીજી રીતે તમામ પ્રાદેશિક પક્ષોનો સંપર્ક સાધી લીધો છે. તેલંગણામાં ટીઆરએસ- લોકસભા અને રાજ્યસભામાં ઘણા કિસ્સામાં ૨૦૧૯ પહેલા પણ એન.ડી.એની તરફેણમાં રહ્યો છે. તેમ છતાં ભાજપે તેને ટેકેદાર ગણવાને બદલે શત્રુજ ગણ્યો અને હૈદરબાદ નગર નિગમની ચૂંટણીમાં ઓવૈસીના નામે ટી.આર.એસ.ને હરાવી સત્તા કબજે કરવા ભાજપે વ્યૂહ ઘડ્યો હતો તે જગજાહેર છે. નેતાઓની ફોજ પણ ઉતારી હતી. ત્યાં ભાજપ ઓવૈસીની તાકાત ઘટાડી ન શક્યો પણ ટી.આર.એસ.ને તો નુકસાન કર્યું જ છે.

તેલંગણામાં ભાજપે જે ખેલ પાડ્યો અને મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને તેમના પક્ષ ટીઆરએસને નબળો પાડવાની કોશીષ કરી તેના કારણે તમામ પ્રાદેશીક પક્ષોને વિચાર કરતા કરી દીધા છે, કારણ કે ટીઆરએસ, વાયઆર કોંગ્રેસ, બીજેડી, અન્ના ડીએમકે સહિતના ઘણા પ્રાદેશીક પક્ષો પોતાના સ્વતંત્ર અસ્તિત્વ પર ઉભા છે. તેમ છતાં છેલ્લા બે વર્ષના ગાળામાં તો એન.ડી.એ.ની સાથે રહ્યા છે, કાં તો મતદાન વખતે ગેરહાજર રહે છે, કાં તો કો’કવાર એન.ડી.એની સાથે મત આપે છે. સંયુક્ત આંધ્ર પ્રદેશ વખતે ચંદ્રાબાબુ નાયડુ અને તેમના પક્ષ ટીડીપીના વર્ચસ્વને તોડવામાં ભાજપની જ ભૂમિકા છે. ભાજપ માત્ર કોંગ્રેસને તોડીને મજબૂત બન્યો છે તેવું નથી. આજે આંધ્રમાં પણ ભાજપના સંગઠનમાં ટીડીપી અને કોંગ્રેસના પૂર્વ નેતાઓ છે આ સંજાેગો વચ્ચે તેલંગણાના બનાવે વિચાર કરતા કરી દીધા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ થોડા સમય પહેલા કેજરીવાલ, પ્રકાશસિંઘ બાદલ, નવિન પટનાયક વિગેરેને મળી પ્રાદેશિક પક્ષોનો મોરચો બનાવવા ચર્ચાઓ કરી હતી. હવે શરદ પવારે તમામ પ્રાદેશિક પક્ષોને એક મંચ પર લાવી કોંગ્રેસને પણ સાથે લઈ ભાજપ માટે મોટો પડકાર ઉભો કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ઓરિસ્સામાં નવિન પટનાયક, આંધ્રમાં જગમોહન રેડ્ડી, તેલંગણામાં ટીઆરસી અને તમિલનાડુના અન્ના ડીએમકે અને ડીએમકે અને ઈશાન ભારતમાં પ્રાદેશિક પક્ષોની સંખ્યા વધારે છે. જો કે તમિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસનું ગઠબંધન ૨૦૧૯માં ક્લીનસ્વીપ જેવી સ્થિતિમાં આવી ગયું છે. છતાં સ્ટલિનનું વલણ સ્પષ્ટ નથી. ભાજપે અન્ના ડીએમકેને સાથે લેવા પ્રયાસ કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાની તામિલનાડુની મુલાકાત વખતે તમિલનાડુના મુખ્યમંત્રી પલાની સ્વામી સાથે મંત્રણા કર્યા બાદ અન્ના ડીએમકે સાથે જાેડાણ કરશે તેવી જાહેરાત કરી હતી. જો કે અન્ના ડીએમકેના પ્રવક્તાએ બીજા જ દિવસે આ બાબતને રદિયો આપી એમ કહ્યું હતું કે, અમે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ અંગે કોઈ નિર્ણય લીધો નથી. તમિલનાડુમાં રજનીકાંતને સક્રિય કરી જયલલિતા અને કરૂણાનિધિની ચીરવિદાય બાદ જે બન્નેના પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલે છે, તેનો લાભ ઉઠાવીને ભાજપે ફિલ્મ અભિનેતા રજનીકાંતને પોતાના તરફ ખેંચવા અને તે નવો પક્ષ બનાવે તો તેની સાથે જાેડાણ કરવાનો પણ વ્યૂહ ઘડ્યો છે. જો કે રજનીકાંત અને તેનો પક્ષ ભાજપ સાથે બેસે છે કે નહિં તે જોવાનું રહે છે.

શરદ પવાર આ બધા નેતાઓના સંપર્કમાં છે. તેઓ આ બધા નેતાઓને એક વાતની સમજ આપે છે કે, ભાજપે હંમેશા તેના અસ્તિત્વ પર ખતરો ઉભો કર્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાની સાથે રહીને તેની તાકાત તોડી છે અને પોતે શિવસેના કરતાં વધુ બેઠક મેળવી છે. તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નીતિશકુમાર અને તેમના પક્ષ જનતાદળ (યુ)ની સાથે રહીને લડ્યો. લોકસભાની ચૂંટણીમાં પણ નીતિશકુમારની સાથે રહીને લોકસભામાં વધુ બેઠકો મેળવી અને વિધાનસભામાં નીતિશકુમારની તાકાત ઘટી ગઈ તે માટે ભાજપની વ્યૂહ રચના જ જવાબદાર છે. ભલે અત્યારે ભાજપે નીતિશકુમારના પક્ષની તાકાત ઓછી હોવા છતાં નીતિશકુમારને મુખ્યમંત્રી બનાવ્યા હોય, પંરતુ પોતાના બબ્બે નાણા પ્રધાનો રાખી ભાજપે સરકારની લગામ પોતાના હાથમાં રાખી છે. જો કે આ સગવડિયું જોડાણ ક્યાં સુધી ચાલે તે જોવાનું રહે છે. શરદ પવાર પ્રાદેશીક પક્ષોના સંપર્કમાં છે. પણ તેની સાથે શરદ પવારનું રાજસ્થાન, છત્તીશગઢ અને પંજાબના મુખ્યમંત્રીઓના સંપર્કમાં પણ છે.

મુધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાથી સત્તા ગુમાવનાર અને હવે કોંગ્રેસના અસંતુષ્ઠો અને સોનિયા ગાંધી વચ્ચે સેતુ બનવા સક્રિય થયેલા મધ્યપ્રદેશના કદાવર નેતા કમલનાથ સાથે સંપર્ક સાધી ચુક્યા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓનો પણ એવો મત છે કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી નિવૃત્ત થવા માંગે છે અને કોંગ્રેસનું સુકાન પણ અન્યને સોંપવા માગે છે તેવા સમયે યુપીએના અધ્યક્ષપદે શરદ પવારને બેસાડવાની ઘણા કોંગ્રેસીઓની હિમાયત છે. જો શરદ પવાર પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને એક મંચ પર લાવવામાં સફળ થશે. તો તેને રાષ્ટ્રનું મોડલ બનાવવા પણ પ્રયાસ થશે. વિપક્ષો એક થાય અને ભાજપની બી ટીમ જેવા ઓવૈસી જેવા નેતાઓને ખૂલ્લા પાડે તો આ કામ અઘરું નથી. ભૂતકાળમાં જયપ્રકાશ નારાયણ (૧૯૭૭) અને વીપીસિંઘે (૧૯૮૯)માં વિપક્ષી એકતા વડે કોંગ્રેસને પછાડી હતી. ખેડૂત આંદોલન બાદ જે સ્થિતિ છે તે મુજબ વિશ્લેષકો કહે છે કે પ્રમાણે પ્રજા વિકલ્પની રાહમાં છે. ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કોંગ્રેસ યોગ્ય સત્તાપર છે. યોગ્ય વિકલ્પ મળતા પ્રજા કોંગ્રેસની જેમ ભાજપને પણ વિદાય આપી શકે છે જાેઈએ હવે પવાર કિંગ મજબૂત વિકલ્પ ઉભો કરવાના પોતાના પ્રયાસોમાં કેવા સફળ થાય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
