ભારતીય રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે 7મી ઑક્ટોબર 2022 ડૉલર સામે રૂપિયો પહેલીવાર 82ની સપાટી વટાવી ગયો. રૂપિયો 32 પૈસાના ઘટાડા સાથે 82.20 પર ખુલ્યો હતો. પાછલા સત્રમાં રૂપિયો 81.88 ના સ્તર પર હતો. ડોલરની સામે રૂપિયો પહેલીવાર 23 સપ્ટેમ્બર 2022ના રોજ 81 અને 20 જુલાઈ 2022ના રોજ 80ની સપાટી વટાવી ગયો હતો. ડૉલર ઇન્ડેક્સ મજબૂત થવાને કારણે અન્ય કરન્સી પર દબાણ જોવા મળી રહ્યું છે.
ભારતીય ચલણ રૂપિયો આજે રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે અને તેણે પ્રથમ વખત ડોલર સામે 82નું સ્તર પણ તોડી નાખ્યું છે. આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો 82.22 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે અને તેમાં 33 પૈસા અથવા 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે ડૉલરના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તેમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ કેલેન્ડર વર્ષમાં ભારતીય રૂપિયામાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને વર્ષ 2022માં તે 10.60 ટકા તૂટ્યો છે. આ વર્ષે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સતત વધારાને કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને તેના કારણે ઉભરતા બજારોના ચલણની સાથે ભારતીય રૂપિયામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં સપ્ટેમ્બર મહિનાનો જોબ ડેટા આજે આવવાનો છે. આ પહેલા રોકાણકારો ખૂબ જ સાવધ છે. ડૉલર ઇન્ડેક્સ 1 ટકા વધીને 112.26ના સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડૉલર ઇન્ડેક્સ લગભગ 17 ટકા ઊછળ્યો છે. જો કે ગુરુવારે સોનું નીચામાં 1711 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.
