@સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ – ગાંધીનગર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રદેશ પ્રમુખે શું બનાવ્યા માપદંડ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કમર કસી છે. પ્રદેશ ભાજપ તરફથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત હાલ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. 6 મહાનગરપાલિકા વિસ્તાર માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને મંગળવારથી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરાપિલકા માટે સેન્સ લેવાઈ રહી છે. આ માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોની એવી 32 ટીમ રાજ્યભરમાં રવાના કરાઈ છે. જાેકે આ વખતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે પ્રદેશ પ્રમુખે કેટલાક માપદંડ નક્કી કર્યા છે અને તે માપદંડોને આધારે જ તમામ બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરાશે.
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમના કડક નિયમપાલન માટે જાણીતા છે. આખાબોલા પ્રદેશ પ્રમુખે ઉમેદવારોની પસંદગી માટે જરુરી માપદંડો નિરીક્ષકોને આપ્યા હોવાનું જાણવા મળ્યુ છે. સી. આર. પાટીલે જ્યારે પ્રદેશનુ માળખુ જાહેર કર્યુ ત્યારે હોદ્દેદારોની પસંદગીમાં રખાયેલી ચોક્સાઈ ઉડીને આંખે વળગે તેવી હતી. એક વ્યક્તિ, એક જ હોદ્દો, યુવાનોને તક, પક્ષ સાથેની વફાદારીની સાથે સાથે પક્ષ માટે કરેલી કામગીરી સહિતના માપદંડોને ધ્યાને લઈ આ નિમણુકો થઈ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યુ છે ત્યારે પ્રદેશ પ્રમુખે હવે ઉમેદવાર પસંદગીમાં પણ ખાસ માપદંડ રાખ્યા છે. મળતી માહિતી પ્રમાણે પ્રદેશ પ્રમુખ મહાનગરપાલિકા વિસ્તારમાં ઉમેદવારોને વોર્ડ બદલવાની છુટછાટ આપવા માગતા નથી. અગાઉની ચૂંટણીમાં અનેક ઉમેદવારોએ પોતાના સ્થાનિક વોર્ડને છોડીને અન્ય વોર્ડમાંથી ચૂંટણી લડ્યાની ઘટના બની છે પણ આ વખતે જે-તે વિસ્તારના સ્થાનિક ઉમેદવારને જ પ્રથમ અગ્રતા અપાશે. તેમ છતાં જાે કોઈ ઉમેદવાર વોર્ડ બદલવાની માગણી કરે તો તે માટે જ્ઞાતિ સમીકરણથી માંડીને તેની કામગીરી અને લોકસ્વીકૃતતા સહિતના માપદંડો ધ્યાને લેવાશે.
પૂર્વ ધારાસભ્યો પૈકી પણ કેટલાક ધારાસભ્યો આ વખતે મનપા ચૂંટણી લડવા માટે ઉત્સુક હોવાનું જાણવા મળ્યુ છે. મનપા વિસ્તારમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં પૂર્વ ધારાસભ્યો, પૂર્વ કોર્પોરેટરો સહિતના વિવિધ હોદ્દા પર અગાઉ ચૂંટણી લડી ચુકેલા પૂર્વ સિનિયર નેતાઓ પણ દાવેદારી કરવા પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્યોને આ વખતે દાવેદારીની તક સાંપડે નહી તેમ લાગી રહ્યુ છે. પ્રદેશ પ્રમુખે નક્કી કરેલા માપદંડ મુજબ જો કોઈ પૂર્વ ધારાસભ્ય કે અન્ય સિનિયર નેતા ટિકીટ માગે તો શક્ય હોય ત્યાં સુધી તેમને લેવાને બદલે નવા અને યુવા ઉમેદવાર પર પસંદગી ઉતારવા પર ભાર મુકાશે તેમ જાણવા મળ્યુ છે.
ઉંમરનો બાધ પણ પ્રદેશ પ્રમુખે આપેલો છે. મળતી માહિતી પ્રમાણે પ્રદેશ પ્રમુખે એવી શીખ આપી છે કે સામાન્ય રીતે 55 વર્ષથી વધુ વય ધરાવતા નેતાઓ કે કાર્યકર્તાઓએ ટિકીટ માગવી જાેઈએ નહી. જો કે પ્રદેશ પ્રમુખે બોલેલા વચનો ભાજપમાં આદેશ સ્વરુપે જ લેવાય છે અને તેથી જ આ વખતે મહાનગરપાલિકા અને પંચાયત ચૂંટણી માટે 55 વર્ષથી વધુ વયના ઉમેદવારોને તક નહી જ મળે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.
ઉમેદવારોની સાથે સાથે નિરીક્ષકો માટે પણ પ્રદેશ પ્રમુખે ખાસ સૂચનાઓ આપેલી છે. રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા માટે બનાવેલી નિરીક્ષકોની ટીમને ખાસ સૂચના અપાયેલી છે કે જે ઉમેદવારને નકારવામાં આવી રહ્યો છે તેને નકારવા પાછળના કારણો ખાસ રિપોર્ટમાં લખવા પડશે. પ્રદેશ પ્રમુખે જ્યારે રાજ્યભરમાં પ્રવાસ કર્યો ત્યારે તેમને બંધ કવરમાં કેટલીક ફરિયાદો અને સૂચનો મળેલા. જેમાં મોટા ભાગની ફરિયાદો ભાજપના નેતાઓ વચ્ચે એકબીજાને કાપવાની પ્રતિસ્પર્ધા ચાલતી હોવા સંદર્ભે જ વધુ હતી. આ ફરિયાદોના આધારે પ્રદેશ પ્રમુખ કદાચ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે કેટલાક પ્રતિભાવંત ઉમેદવારોને અત્યાર સુધી સતત ટિકીટ આપવા મુદ્દે અવગણવામાં આવ્યા છે. તેથી આ પ્રકારે પસંદગી પ્રક્રિયામાં કોઈ ઉમેદવારને જાણીજાેઈને અવગણવામાં ન આવે તે હેતુસર આ પ્રકારે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
જાેકે આ તમામ માપદંડોને પસંદગી પ્રક્રિયામાં વળગી જ રહેવુ તેવું જરુરી નથી પણ મોટાભાગે આ માપદંડોને આધારે જ ઉમેદવારોની પસંદગી કરાશે તેમ લાગી રહ્યુ છે. ખાસ કરીને યુવા પ્રતિભાઓને તક આપવા પર પ્રદેશ પ્રમુખ ભાર આપી રહ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
