રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ તેમની બે દિવસીય સત્તાવાર ભારત મુલાકાતે છે,વિદેશ મંત્રી લવરોવ ગુરુવારે જ ભારત પહોંચ્યા છે. મોસ્કોએ 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ શરૂ કર્યા બાદ લવરોવ પ્રથમ વખત ભારત આવ્યા છે. લવરોવ પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ગયા અઠવાડિયે ભારતની મુલાકાત લીધી હતી. ઉપરાંત, તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે 11 એપ્રિલથી મંત્રણા યોજાવાની છે.તેઓ આજે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે.
રશિયાના વિદેશ મંત્રી તેમની બે દિવસીય ચીનની મુલાકાત બાદ દિલ્હી પહોંચ્યા છે. બુધવારે, લવરોવ તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે મળ્યા હતા અને બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા સંમત થયા હતા. લવરોવે ચીનને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીત વિશે જણાવ્યું અને કહ્યું કે રશિયા તણાવ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. તે જ સમયે, તેમણે કહ્યું કે તે યુક્રેન સાથે શાંતિ મંત્રણા ચાલુ રાખવા અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે વાતચીત જાળવી રાખવા માટે પણ કામ કરી રહી છે.
રશિયાના વિદેશ મંત્રીએ પાકિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિઓ સાથે અફઘાનિસ્તાન પર બે બહુરાષ્ટ્રીય બેઠકોમાં ભાગ લીધો હતો.લવરોવે ચીન અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી. ચીન અને યુએસના વિશેષ અફઘાન રાજદૂતો સાથે અલગ બેઠકમાં પણ ભાગ લીધો હતો.
