રશિયા અને યુક્રેનની સરહદ પર તણાવ વધી રહ્યો છે.આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાત કરી હતી. પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે યુક્રેન પર હુમલો કરવાના રશિયાના દાવા માત્ર ઉશ્કેરણીજનક અનુમાન છે. જો કે આ દરમિયાન મેક્રોને પુતિનને પણ સ્પષ્ટ સ્વરમાં કહ્યું છે કે જો રશિયન સેના સરહદ પર જમાવટ કરવાનું ચાલુ રાખશે તો ગંભીર સમજૂતીની શક્યતાઓ ઘટી જશે.
મોસ્કોએ દાવો કર્યો છે કે તેણે પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ કરી રહેલી યુએસ સબમરીનનો પીછો કર્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયાએ આ મામલે અમેરિકી સંરક્ષણ અધિકારીને પણ સમન્સ પાઠવ્યું હતું અને તેના દરિયાઈ ક્ષેત્રમાં અમેરિકન સબમરીનના પ્રવેશ અંગે ફરિયાદ કરી હતી. આ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિએ શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ફોન પર ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી છે. બિડેને પુનરોચ્ચાર કર્યો હતો કે યુક્રેન પર રશિયન આક્રમણ માનવતાવાદી મુશ્કેલીઓ ઊભી કરશે અને રશિયાની સ્થિતિને અસર કરશે. સાથીઓ સાથે મળીને અમેરિકા નિર્ણાયક જવાબ આપશે.
રાષ્ટ્રપતિ બિડેને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને સ્પષ્ટ કર્યું કે યુએસ મુત્સદ્દીગીરીમાં જોડાવા માટે તૈયાર છે, પરંતુ અન્ય પરિસ્થિતિઓ માટે પણ તેટલું જ તૈયાર છે. જો રશિયા યુક્રેન પર બીજું આક્રમણ કરશે તો અમેરિકા તેના સહયોગીઓ સાથે રશિયા પર કાર્યવાહી કરશે.વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બિડેન સાથેની આજની મંત્રણામાં પુતિનના વલણમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને યુક્રેન પર રશિયન આક્રમણની શક્યતા રહે છે.
નોંધનીય છે કે રશિયાએ યુક્રેનની સરહદ પર સૈનિકો જમાવ્યા છે અને તેના સૈનિકોને પડોશી દેશ બેલારુસમાં અભ્યાસ માટે મોકલ્યા છે. જોકે, રશિયા સતત એ વાતને નકારી રહ્યું છે કે તે યુક્રેન પર આક્રમણ કરવા જઈ રહ્યું છે.
