SCO Summit: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCOની સમિટમાં ભારતે ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ એટલે કે BRIને લઈને પોતાનું જૂનું વલણ જાળવી રાખ્યું છે. સમિટમાં મોટાભાગના સભ્ય દેશોએ BRIને સમર્થન આપ્યું, પરંતુ ભારતે આ પ્રસ્તાવથી પોતાને અલગ રાખ્યું હતું. ભારત વર્ષ 2018માં SCOનું પૂર્ણ સભ્ય બન્યું ત્યારથી અત્યાર સુધીની વિવિધ બેઠકોમાં BRIને લઈને પોતાનો વિરોધ સ્પષ્ટ કરતું આવ્યું છે. આ વખતે પણ બિશ્કેક ઘોષણાપત્રમાં BRIના સમર્થન સાથે જોડાયેલા મુદ્દાથી ભારતે અંતર જાળવ્યું.
PoKમાંથી પસાર થતા પ્રોજેક્ટ સામે ભારતનો વાંધો
ભારતના વિરોધ પાછળનું મુખ્ય કારણ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર એટલે કે CPEC છે. BRI હેઠળ વિકસાવવામાં આવી રહેલો આ કોરિડોર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKના વિસ્તારમાંથી પસાર થાય છે. ભારત PoKને પોતાનો અભિન્ન હિસ્સો માને છે અને આ વિસ્તારમાં કોઈપણ ત્રીજા દેશની યોજનાનો સતત વિરોધ કરે છે. બીજી તરફ બેલારુસ, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સહિતના દેશોએ BRI અને યુરેશિયન ઈકોનોમિક યુનિયન સાથે તેના સંકલનને લઈને સમર્થન વ્યક્ત કર્યું છે.
From the SCO Summit in Bishkek. pic.twitter.com/GDlPpVkSLR
— Narendra Modi (@narendramodi) September 1, 2026
SCO Summitના આર્થિક એજન્ડા પર પણ ભારતનો અલગ અભિગમ
SCO Summitની આર્થિક નીતિને લઈને પણ ભારતનું વલણ અન્ય સભ્ય દેશોથી અલગ રહ્યું છે. અગાઉ ભારતે SCO Economic Development Strategy 2030થી અંતર રાખ્યું હતું. આ વખતે પણ ઘોષણાપત્રમાં 2030 સુધીની આર્થિક વ્યૂહરચનાના અમલને આગળ વધારવાની વાત કરવામાં આવી છે. SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અંગે ભારતનો અભિગમ સ્પષ્ટ કર્યો. તેમણે કહ્યું કે કોઈપણ કનેક્ટિવિટી પહેલમાં દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું જરૂરી છે. PM મોદીએ આતંકવાદના તમામ સ્વરૂપો સામે પણ કડક વલણ અપનાવવાની અપીલ કરી હતી.

ઈરાન પર થયેલા હુમલાની SCOએ કરી નિંદા
SCOના(SCO Summit) બિશ્કેક ઘોષણાપત્રમાં ઈરાનના વિસ્તારમાં થયેલા સૈન્ય હુમલાઓની નિંદા કરવામાં આવી. સભ્ય દેશોએ સંઘર્ષનો ઉકેલ રાજકીય અને રાજદ્વારી માર્ગે લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઘોષણાપત્રમાં જણાવાયું કે આવા હુમલાઓમાં નાગરિકોને નુકસાન થયું છે અને આર્થિક નુકસાન પણ થયું છે. સાથે જ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સિદ્ધાંતોનું પાલન કરવાની વાત કરવામાં આવી છે. ચીનનું BRI એ મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી નેટવર્ક છે, જે રસ્તા, રેલવે અને જળમાર્ગોના માધ્યમથી એશિયા, યુરોપ અને આફ્રિકાને જોડવાનો હેતુ ધરાવે છે. જોકે CPECનો માર્ગ PoKમાંથી પસાર થતો હોવાથી ભારત BRIને સમર્થન આપવાથી સતત દૂર રહ્યું છે.
આ પણ વાંચો:નેપાળે આર્થિક મદદ નહીં, ક્લાઇમેટ ચેન્જ બદલ માંગ્યું વળતર; પૂરની તબાહીમાં મૃત્યુઆંક હજાર પાર
આ પણ વાંચો: બાંગ્લાદેશ મક્કા ડિફેન્સ એગ્રીમેન્ટમાં જોડાશે? સાઉદી-પાકિસ્તાન-તુર્કી સાથે હાથ મિલાવવાની તૈયારી
આ પણ વાંચો: SCO સમિટ દરમિયાન PM મોદી અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિની મુલાકાત, સંબંધોમાં નવો વળાંક?
