Nepal Flash Flood: નેપાળમાં ભારે પૂરની વિનાશક અસર બાદ હવે સરકાર તરફથી એક મોટી માંગ સામે આવી છે. નેપાળે દુનિયાના દેશો પાસેથી માત્ર આર્થિક મદદ લેવાને બદલે ક્લાઇમેટ ચેન્જથી થયેલા નુકસાન માટે વળતર અને ન્યાયની માંગ ઉઠાવી છે. નેપાળનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગમાં તેનો ફાળો ખૂબ ઓછો હોવા છતાં તેની ગંભીર અસર દેશને ભોગવવી પડી રહી છે.
ગ્લેશિયર પીગળવાથી વધી રહ્યું છે જોખમ
નેપાળના(Nepal) વિદેશમંત્રી શિસિર ખનલે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલયના ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે. તેના પરિણામે પહાડી વિસ્તારોમાં અચાનક પૂર અને અન્ય કુદરતી આફતોનું જોખમ વધી રહ્યું છે. તેમના અનુસાર, નેપાળે આ વૈશ્વિક પર્યાવરણીય સંકટ ઊભું કર્યું નથી, પરંતુ તેની કિંમત ચૂકવી રહ્યો છે. તેમણે ક્લાઇમેટ વળતરને ચેરિટી નહીં પરંતુ નૈતિક જવાબદારી તરીકે જોવાની વાત કરી છે. સાથે જ ચેતવણી આપી કે હિમાલયના ગ્લેશિયરોને મોટું નુકસાન થશે તો ગંગા સહિત દક્ષિણ એશિયાની મહત્વપૂર્ણ નદીઓના પાણીના સ્ત્રોત પર પણ અસર પડી શકે છે.

કાર્બન ઉત્સર્જનને લઈને સવાલ
નેપાળે(Nepal) ગ્રીનહાઉસ ગેસના મોટા ઉત્સર્જન માટે અમેરિકા, ચીન અને ભારત જેવા દેશોની ભૂમિકા તરફ પણ ધ્યાન દોર્યું છે. નેપાળનું કહેવું છે કે મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન કરનારા દેશોની નીતિઓની અસર નાના અને સંવેદનશીલ દેશો પર પડી રહી છે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક એક હજારને પાર પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે ચાર હજારથી વધુ લોકો હજુ લાપતા હોવાનું જણાવાયું છે. રેસ્ક્યૂ ટીમોએ અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે.
કાટમાળમાંથી મળી રહ્યા છે મૃતદેહો
આફતને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં રાહત અને શોધખોળનું કામ ચાલુ છે. નુવાકોટ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં એક મકાનના કાટમાળમાંથી 24 મૃતદેહો મળી આવ્યા હોવાની માહિતી સામે આવી છે. તેમાં મહિલાઓ, પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે. હજારો લોકો હજુ લાપતા(Nepal) હોવાથી અંતિમ મૃત્યુઆંક વધુ વધી શકે છે. નેપાળની આ દુર્ઘટનાએ ફરી એકવાર ક્લાઇમેટ ચેન્જ અને હિમાલયના પર્યાવરણને લઈને વૈશ્વિક ચિંતા વધારી છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશ મક્કા ડિફેન્સ એગ્રીમેન્ટમાં જોડાશે? સાઉદી-પાકિસ્તાન-તુર્કી સાથે હાથ મિલાવવાની તૈયારી
આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકાનો ઈરાન પર ફરી હુમલો, લારક ટાપુ પર રોકેટ લોન્ચર્સ નિશાન પર
આ પણ વાંચો:PM મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન, ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે સહયોગ વધારવા નિર્ણયો
