Business News/ ગુજરાતની GST આવકમાં 28%નો ઉછાળો, રાષ્ટ્રીય વૃદ્ધિ કરતાં લગભગ બમણો વધારો

ઓગસ્ટ 2026માં દેશનું કુલ GST Collection 14.8% વધીને આશરે 2 લાખ કરોડ થયું છે. જ્યારે ગુજરાતમાં જીએસટી આવક 28% વધીને રૂ. 8,313 કરોડ પર પહોંચી છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories Trending Business
GST Collection

August GST Collection Update  ઓગસ્ટ 2026માં ગુજરાત સરકારની GST આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. રાજ્યની GST આવક 28 ટકા વધીને રૂ. 8,313 કરોડ પહોંચી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ગુજરાતને GST મારફતે રૂ. 6,470 કરોડની આવક થઈ હતી. તેની સરખામણીમાં આ વર્ષે આવકમાં રૂ. 1,843 કરોડનો વધારો નોંધાયો છે. રાષ્ટ્રીય સ્તરે પણ ઓગસ્ટ મહિનામાં GST કલેક્શન મજબૂત રહ્યું છે. દેશનું કુલ GST કલેક્શન વાર્ષિક ધોરણે 14.8 ટકા વધીને રૂ. 1,99,853 કરોડ થયું છે. તેમાં સ્થાનિક વ્યવહારો અને આયાત બંનેનો મહત્વનો ફાળો રહ્યો છે. સ્થાનિક વ્યવહારોમાંથી મળતી આવકમાં આશરે 9.3 ટકાનો વધારો થયો છે, જ્યારે આયાત સંબંધિત GST આવકમાં લગભગ 29 ટકાનો ઉછાળો નોંધાયો છે.

ગુજરાતની આવકમાં અન્ય કરનો પણ ફાળો

GST Collection ઉપરાંત ગુજરાત સરકારને પેટ્રોલ, ડીઝલ અને CNG પર લેવામાં આવતા VATમાંથી ઓગસ્ટ 2026માં આશરે રૂ. 3,047 કરોડની આવક થઈ છે. આ ઉપરાંત વીજળી શુલ્કમાંથી રૂ. 1,125 કરોડ અને પ્રોફેશનલ ટેક્સમાંથી રૂ. 22 કરોડની આવક નોંધાઈ છે. GST, VAT, વીજળી શુલ્ક અને વ્યવસાય વેરાને એકસાથે જોવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં ગુજરાત સરકારની કુલ આવક આશરે રૂ. 12,505 કરોડ રહી છે. આ આંકડા રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિ અને વપરાશમાં રહેલી મજબૂતી તરફ સંકેત આપે છે.

આગામી મહિનાઓમાં પણ વૃદ્ધિની આશા

નિષ્ણાતોના મતે આગામી સમયમાં તહેવારોની સિઝન શરૂ થતાં બજારમાં ખરીદી અને વ્યવહારો વધવાની શક્યતા છે. તેની અસર GST Collection પર પણ જોવા મળી શકે છે. દેશના અન્ય કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ GST આવકમાં સારો વધારો નોંધાયો છે.


આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો; ચાંદી 2,40,000 ની નીચે સરકી, રોકાણકારોમાં ચિંતા

આ પણ વાંચો:દિલ્હીના આદિત્ય પોદ્દારની પ્રેરણાદાયી સફર; પ્રોટીન બ્રાન્ડ ફિટફીસ્ટ બની કરોડોની કંપની

આ પણ વાંચો:FSSAI નો મોટો નિર્ણય; ખાંડ અને ફેટવાળા પેકેડ ફૂડ પર લાગશે લાલ રંગનો સ્ટૉપ સાઇન ચેતવણી લેબલ